મોદી સરકારે ગુરુવારે લોકસભામાં મુસ્લિમના વક્ફ બોર્ડની સત્તા પર કાપ મૂકતું એક બિલ રજૂ કર્યું હતો. આ બિલનો કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. સૂચિત કાયદાનો ઉદ્દેશ રાજ્ય વકફ બોર્ડની સત્તાઓ, વકફ મિલકતોની નોંધણી અને સર્વેક્ષણ અને અતિક્રમણ દૂર કરવા સંબંધિત મુદ્દાઓને ઉકેલવાનો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં ઇન્ડિયન આર્મી, રેલવે પછી વફક બોર્ડ પાસે ત્રીજા ક્રમે સૌથી વધુ જમીન છે.
લોકસભામાં બિલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના કેસી વેણુગોપાલે પ્રસ્તાવિત કાયદાને “કડક” ગણાવ્યો અને કહ્યું કે તે ધર્મની સ્વતંત્રતા અને સંઘીય વ્યવસ્થા પર હુમલો છે. તેમણે વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈનો પણ વિરોધ કર્યો હતો.
વિપક્ષે માગણી કરી હતી કે આ વિવાદાસ્પદ બિલને વિચારણા માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવું જોઇએ. બિઝનેસ એડવાઇરી કમિટીમાં સરકારે જણાવ્યું હતું કે તે લોકસભાનું મંતવ્ય જાણ્યા પછી આ અંગે નિર્ણય કરશે.
સરકાર આ બિલને સંસદીય સમિતિને રિફર કરે તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના એજન્ડાને ટેકો આપતાં કેટલાંક પક્ષોએ પણ સૂચિત કાયદા અંગે તેમના વાંધા રજૂ કર્યા છે. બિલનો ઘણા મુસ્લિમ સંગઠનો અગાઉથી જ વિરોધ કરી રહ્યાં છે.
આ બિલમાં વક્ફ બોર્ડ સંબંધિત કાયદામાં દૂરોગામી સુધારાની દરખાસ્ત છે. તેમાં વક્ફ બોર્ડમાં મુસ્લિમ મહિલાઓ અને બિનમુસ્લિમોને પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ છે. બિલમાં વક્ફ મિલકત છે કે નહીં તે નક્કી કરવા માટે બોર્ડની સત્તાઓ સંબંધિત વર્તમાન કાયદાની કલમ 40ને બાકાત રખાઈ છે. આનો અર્થ એવો થાય છે કે વક્ફ બોર્ડની સત્તામાં કાપ મૂકાશે. વક્ફ (સુધારા) ખરડામાં હાલના વકફ એક્ટ, 1995નું નામ બદલીને યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ ધારો રાખવાની પણ જોગવાઈ છે. તેમાં શિયા, સુન્ની, બોહરા, અગાખાની અને અન્ય પછાત વર્ગોના પ્રતિનિધિત્વની જોગવાઈ પણ છે.