ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાતે જશે. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા પછી તેમની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ વડાપ્રધાન મોદી અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમિર ઝેલેન્સકી ઈટાલીમાં યોજાયેલી G7 સમિટમાં મળ્યા હતા. ત્યાં બંને નેતાઓએ એકબીજાને ગળે મળીને અભિવાદન કર્યું હતું. ઝેલેન્સકીએ મોદીને 2024ની લોકસભા ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કહેવાય છે કે મોદી 23 ઓગસ્ટે યુક્રેન જાય તેવી સંભાવના છે.
સપ્ટેમ્બર 2022માં ઉઝબેક શહેર સમરકંદમાં રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. તેમણે યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવો જોઈએ. તેમના સંદેશને વિશ્વ નેતાઓ તરફથી પણ આવકારવામાં આવ્યો હતો. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે કહ્યું છે કે તેને માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે. વડાપ્રધાને કહ્યું કે ભારત શાંતિના માટેના કોઈપણ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.
રશિયામાં, વડાપ્રધાન મોદીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં અસાધારણ યોગદાન માટે પુતિન દ્વારા રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે પુતિનના આમંત્રણ પર 8 જુલાઈએ મોસ્કોની બે દિવસીય મુલાકાતે ગયા હતા.

LEAVE A REPLY