અત્યારે વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવના માહોલ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જવા રવાના થયા છે. 21થી 23 સપ્ટેમ્બર સુધીના અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ડેલાવેરમાં યોજાનારી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.
અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એમ ચાર દેશોની બનેલી ક્વોડ દેશોની આ બેઠકમાં ચારેય દેશોના વડા રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન સંઘર્ષ ઉપરાંત સાઉથ ચીન મહાસાગરમાં ચીન અને તેના પડોશી દેશો વચ્ચે વધતાં તણાવ સહિતના મુદ્દે ચર્ચા કરે તેવી સંભાવના છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ, ત્રાસવાદ, લેટેસ્ટ ટેક્નોલોજી સહિતના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેનના યજમાન પદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિઓ વચ્ચે શનિવારે ચોથી ક્વોડ બેઠક યોજાશે. ક્વોડ દેશોની બેઠક બાદ પીએમ મોદી ક્વોડ દેશના વડાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા અંગે માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ક્વોડ દેશોની બેઠક દરમિયાન વિવિધ નવી પહેલની જાહેરાત કરાય તેવી આશા છે. ક્વોડ નેતાઓ કેન્સરના દર્દીઓ તથા તેમના પરિવાર પર થતી અસર, તેની સારવાર, નિવારણની દિશામાં નવી યોજના શરૂ કરશે.
છેલ્લાં આશરે અઢી વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવામાં ભારતની સંભવિત ભૂમિકા અંગેના એક સવાલના જવાબમાં મિસરીએ જણાવ્યું હતું કે, ભારત આ મુદ્દે અનેક સ્તરે ચાલી રહેલી મહત્વની મંત્રણાઓમાં સામેલ છે.

LEAVE A REPLY