અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શનિવારે સાંજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજવામાં આવ્યો છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી એક લાખથી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. આખું સ્ટેડિયમ જય હો… આનંદ છાયો… સુવર્ણ મહોત્સવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં સંગીત-નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ થયા હતા. સુવર્ણ મહોત્સવનો પ્રારંભ એક લાખ કાર્યકરોના સામૂહિક ગાનથી થયો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થા એક નાના બીજમાંથી વટવૃક્ષ કેવી રીતે બની તે દર્શાવવામાં આવ્યું હતું. જેમાં સ્વયંસેવકોની સેવાઓ ભારત અને વિશ્વભરમાં અનેક વિપરીત સંજોગોમાં પણ કર્તવ્યનિષ્ઠ રોમાંચક ગાથા તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી. આ સાથે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી.એ.પી.એસ.ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. અન્ય કાર્યક્રમમાં છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદભૂત રજૂઆત કરવામાં આવી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા હતા તેમ દર્શાવવામાં આવ્યું હતું.
દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધનમાં કહ્યું હતું કે, ‘હું ભલે તમારી વચ્ચે ઉપસ્થિત ન થઈ શક્યો પણ આ આયોજનની ઊર્જા અનુભવી શકું છું. આ દિવ્ય કાર્યક્રમ માટે મહંતસ્વામી તથા સંતોનું અભિવાદન તથા નમન કરું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાનો ઉત્સવ છે. મારું સૌભાગ્ય છે કે હું BAPSના સેવા કાર્યો સાથે જોડાઈ શક્યો છું. વડાપ્રધાને યુક્રેનમાં યુદ્ધ સમયનો કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, કે ‘ભુજમાં ભૂકંપ, કેરળમાં પૂર તથા કેદારનાથમાં આવેલી આફતમાં BAPSના કાર્યકરોએ પરિવાર ભાવથી સેવા કરી હતી. કોરોનાકાળમાં BAPSના મંદિરો સેવા કેન્દ્રોમાં બદલાઈ ગયા હતા. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભારતીયો યુક્રેનથી પોલેન્ડ પહોંચી ગયા હતા. તે સમયે મેં BAPSના એક સંત સાથે અડધી રાતે વાત કરી. મેં તેમને આગ્રહ કર્યો કે જે ભારતીય પોલેન્ડ પહોંચી રહ્યા છે તેમની મદદ માટે મને તમારો સહયોગ જોઈએ. અને રાતોરાત આખા યુરોપથી BAPSના કાર્યકરો મદદ માટે આગળ આવ્યા હતા.’
આ અવસરે આનંદ સ્વરૂપ સ્વામીજીએ કહ્યું કે, BAPSના તમામ કાર્યકરો ઘણા વર્ષોથી સેવા આપી રહ્યાં છે. જેમાં કેટલાક તો દસકાઓથી સેવા આપી રહ્યાં છે. આ તમામ કાર્યકરો નિસ્વાર્થ ભાવથી સેવા આપે છે. એક પ્રસંગ હું તમને કહીને કે, 1992માં ગાંધીનગરના અક્ષરધામનું ઉદ્ધાટન થયું હતું. આ સાથે પ્રભુસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ 34 દિવસ સુધી મનાવવામાં આવ્યો હતો, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યાં હતા. જેમાં આઈઆઈએમના મુખ્ય કાર્યવાહક ત્યાં આવ્યાં હતા. તેઓ આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા હતા. આ સાથે મહોત્સવમાં એક સંત પાસે જઈને ત્રણ કલાક બેસીને આ વ્યવસ્થા વિશે જાણવું છે તેમ કહ્યું હતું. ત્યારે સંતે કહ્યું કે, આ મોટી સફળતા પાછળ કાર્યકરોનો મુખ્ય ફાળો છે.
અમદાવાદ-ગાંધીનગરના 30 હજાર, વડોદરના 10 હજાર, સુરતના 4000, રાજકોટના 2600 સહિતના એક લાખથી વધુ BAPSના કાર્યકરોને પાસની ચકાસણી બાદ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.