(Photo by JIM WATSON,EMMANUEL DUNAND/AFP via Getty Images)

અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા સહિતના ઘણા મુદ્દે ચર્ચાવિચારણા થઈ હતી, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. જોકે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુતિન અને ટ્રમ્પ વચ્ચેના ફોન કોલના મીડિયા અહેવાલને નકારી કાઢ્યો હતો.

તાજેતરની પ્રેસિડન્ટની ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે વિશ્વના 70થી વધુ નેતાઓ સાથે વાતચીત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પ્રથમ નેતાઓમાં સામેલ છે.

વૉશિંગ્ટન પોસ્ટેના વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ યુરોપિયન ખંડમાં શાંતિના ધ્યેય પર ચર્ચાવિચારણા કરી હતી અને ટ્રમ્પે ‘યુક્રેનના યુદ્ધના ટૂંક સમયમાં નિરાકરણ અંગે વધુ વાતચીત કરવાનો રસ દર્શાવ્યો હતો. પુટિન કૉલથી પરિચિત એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ સંભવતઃ યુક્રેનમાં નવી કટોકટી સાથે ઓફિસમાં પ્રવેશવા માંગતા નથી, તેઓ યુદ્ધને વધુ ઉગ્ર બનતું અટકાવવા માગે છે.ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના રિસોર્ટમાંથી ફોન કોલમાં રશિયન પ્રમુખને યુક્રેનમાં યુદ્ધને ઉગ્ર ન બનાવવાની સલાહ આપી હતી અને તેમને યુરોપમાં અમેરિકાની મોટી સૈન્ય હાજરીની યાદ અપાવી હતી.

ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025એ અમેરિકાના 47માં પ્રેસિડન્ટ તરીકે શપથ લેવાના છે. યુક્રેનને ટ્રમ્પ-પુતિન કોલ વિશે માહિતી આપવામાં આવી છે. દરમિયાન, ટ્રમ્પના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચ્યુંગે જણાવ્યું કે તેઓ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પ અને અન્ય વિશ્વ નેતાઓ વચ્ચેના ખાનગી કોલ્સ પર ટિપ્પણી કરશે નહીં.

LEAVE A REPLY