વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિ તરીકે લોક અદાલતોની ભૂમિકા પર ભાર મૂકતા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે શનિવારે જણાવ્યું હતું કે કોર્ટોથી લોકો એટલા બધા ત્રાસી ગયા છે, કે તેઓ બસ સમાધાન ઇચ્છે છે. કોર્ટની લાંબી પ્રક્રિયા પોતે જ એક સજા છે અને તે બાબત ન્યાયાધીશો માટે ચિંતાનો વિષય છે.
લોક અદાલતો એક એવું ફોરમ છે, કે જ્યાં અદાલતોમાં લાંબા સમયથી પેન્ડિંગ વિવાદો અને કેસોનું પરસ્પર સ્વીકૃતિથી સેટલમેન્ટ કરવામાં આવે છે અને તેની સામે કોર્ટમાં અપીલ થઈ શકતી નથી. તેમણે સુપ્રીમ કોર્ટમાં વિશેષ લોક અદાલત સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું હતું કે કોર્ટના મામલાથી લોકો એટલા ત્રાસી ગયા છે કે તેઓ બસ સમાધાન ઇચ્છે છે. માત્ર કોર્ટના મામલાથી દૂર રાખો. કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા છે અને તે આપણા તમામ ન્યાયાધીશો માટે ચિંતાનો વિષય છે.