પેન્સિલવેનિયામાં ગવર્નર જોશ શાપિરોએ તાજેતરમાં દિવાળીને સત્તાવાર સ્ટેટ હોલીડે (રજા) તરીકે માન્યતા આપતા દ્વિપક્ષીય બિલને મંજૂરી આપી હતી.
ગવર્નરે સત્તાવાર રીતે સેનેટ બિલ 402 પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં દિવાળીના દિવસે પેન્સિલવેનિયામાં રાજ્યની અધિકૃત રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના ડાઉનટાઉન હેરિસબર્ગમાં કીસ્ટોન બિલ્ડિંગમાં એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર અફેર્સ ખાતે ગવર્નરના એડવાઇઝરી કમિશન દ્વારા આયોજિત દિવાળી, તિહાર અને બંદી છોર દિવસની ઉજવણી દરમિયાન આ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દ્વિપક્ષીય કાયદો કોમનવેલ્થ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે પેન્સિલવેનિયાના નિવાસીઓની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતાની સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. દિવાળીની ઉજવણી વિશ્વભરના એક બિલિયનથી વધુ બૌદ્ધો, હિન્દુઓ, જૈનો અને શીખ સમુદાય દ્વારા કરવામાં આવે છે, જેમાં હજ્જારો પેન્સિલવેનિયાવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ રજા અંધકાર પર પ્રકાશના, અજ્ઞાનતા પર જ્ઞાનના અને અત્યાચાર પર સદાચારના વિજયનું પ્રતીક છે.
આ અવસરે ગવર્નર શાપિરોએ જણાવ્યું હતું કે, “આ બિલને કાયદા તરીકે મંજૂરી આપીને આપણે માત્ર દિવાળીના મહત્વને જ સ્વીકારતા નથી, પરંતુ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પેન્સિલવેનિયામાં એશિયન અમેરિકન સમુદાયના અનેક યોગદાનની પણ ઉજવણી કરી રહ્યા છીએ.”