Alexander Nemenov/Pool via REUTERS

ભારત-રશિયા વચ્ચેની 22મી વાર્ષિક સમીટ માટે 8-9 જુલાઇએ મોસ્કોની બે દિવસની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને જણાવ્યું હતું કે બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ વાટાઘાટો સફળ થતી નથી અને કોઇ પણ સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં આવી શકે નહીં. યુક્રેન સંઘર્ષના મુદ્દે બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં મોદીએ આ ટીપ્પણી કરી હતી.

મોદીએ વિશ્વ સમુદાયને પણ ખાતરી આપી કે ભારત શાંતિના પક્ષમાં છે અને યુક્રેનમાં સંઘર્ષને સમાપ્ત કરવામાં યોગદાન આપવા તૈયાર છે. મોદીએ જણાવ્યું હતું કે “નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, શાંતિ સૌથી જરૂરી છે… બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થતી નથી”

વડા પ્રધાને સોમવારે પુતિન સાથેની તેમની અનૌપચારિક મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે રશિયન પ્રેસિડન્ટને  સાંભળીને “આશા” જાગી છે. મોદીએ કહ્યું હતું કે જો કોઇ જાનહાનિ થાય તો માનવતામાં માનનારા દરેકને દુઃખ થાય છે. તેમાં પણ જો નિર્દોષ બાળકોની હત્યા થાય; જો નિર્દોષ બાળકો મૃત્યુ પામે છે, તો તે હૃદયદ્રાવક અને ખૂબ જ પીડાદાયક છે. ગઈકાલે અમારી મીટિંગમાં અમે યુક્રેન પર એકબીજાના મંતવ્યો સાંભળ્યા હતા અને મેં શાંતિ અને સ્થિરતા અંગે ગ્લોબલ સાઉથની અપેક્ષાઓ પણ તમારી સમક્ષ મૂકી છે.

ઉર્જા ક્ષેત્રે ભારતને રશિયાની મદદનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે વિશ્વ અનાજ, ઇંધણ અને ખાતરની અછતનો સામનો કરી રહ્યું હતું, ત્યારે અમે અમારા ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવા દીધો ન હતો અને રશિયા સાથેની અમારી મિત્રતાએ તેમાં ભૂમિકા ભજવી હતી. અમે ઇચ્છીએ છીએ કે રશિયા સાથે અમારો સહયોગ વધુ વિસ્તરે જેથી અમારા ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત થાય. મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોથી લોકોને ઘણો ફાયદો થશે.

LEAVE A REPLY