(Photo by LOIC VENANCE/AFP via Getty Images)

ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને 82મા ગોલ્ડન ગ્લોબમાં બે નોમિનેશન મળ્યા છે. ફિલ્મને અંગ્રેજી સિવાયની ભાષાના બેસ્ટ મોશન પિક્ચર અને બેસ્ટ ડિરેક્શન કેટેગરીમાં નોમિનેશન મળ્યાં છે. આ ફિલ્મમાં મુંબઈ સ્થિત ત્રણ મહિલા અને તેમની મિત્રતાની કહાની છે. 2025નો ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારંભ 5 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં યોજાશે.

મે મહિનામાં કાન્સમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને આ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. હોલીવુડ વાર્ષિક એવોર્ડ સીઝન માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે ફિલ્મ વધુને વધુ નોમિનેશન અને એવોર્ડ મેળવી રહી છે.
ગોલ્ડન ગ્લોબ્સમાં ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ભાષાની મોશન પિક્ચર કેટેગરીમાં “એમિલિયા પેરેઝ” (ફ્રાન્સ), “ધ ગર્લ વિથ ધ નીડલ” (પોલેન્ડ), “આઇ એમ સ્ટિલ હીયર” (બ્રાઝિલ), “ધ સીડ ઓફ ધ સેક્રિડ ફિગ(યુએસ)” અને “વર્મિગ્લિયો” (ઇટાલી)ની સ્પર્ધા કરશે.

82મા ગોલ્ડન ગ્લોબ્સમાં શ્રેષ્ઠ દિગ્દર્શકની કેટેગરીમાં કાપડિયા “ધ બ્રુટાલિસ્ટ”ના નિર્દેશક બ્રેડી કોર્બેટ, “ધ સબસ્ટન્સ”ના કોરાલી ફાર્જેટ, “કોન્ક્લેવ”ના એડવર્ડ બર્જર, “એમિલિયા પેરેઝ”ના નિર્દેશક જેક્સ ઓડિયર્ડ અને અનોરાના સીન બેકર સાથે સ્પર્ધા કરશે.

‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’એ સાઇટ એન્ડ સાઉન્ડ મેગેઝિનની વર્ષની 50 શ્રેષ્ઠ મૂવીઝની વાર્ષિક યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

2022માં SS રાજામૌલીની “RRR”એ શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મ અને “નાટુ નાટુ” માટે શ્રેષ્ઠ ગીતમાં ગ્લોબ્સમાં બે નોમિનેશન મેળવ્યા હતાં અને સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.

 

LEAVE A REPLY