અમેરિકાના ન્યાય વિભાગે $1 બિલિયનના સોદાને ન પડકારવાનો નિર્ણય કરતાં અલાસ્કા એર અને હવાઇયન એરલાઇન્સના મર્જર સામેનો એક મોટો અવરોધ દૂર થયો હતો. અલાસ્કા એરે ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે હવાઇયનના દરેક શેર માટે $18ની રોકડ ચુકવણી કરી આ સોદો કરશે. આ સોદામાં હવાઇયન એરલાઇન્સના 900 મિલિયન ડોલરના દેવાનો પણ સમાવેશ થાય છે.
વિલીનીકરણ પછી બંને એરલાઇન્સની બ્રાન્ડ્સ જાળવી રાખવામાં આવશે, જે એવા ઉદ્યોગમાં દુર્લભ છે જ્યાં દાયકાઓના એક્વિઝિશનને કારણે યુએસ માર્કેટમાં માત્ર ચાર મોટી એરલાઇન્સનું પ્રભુત્વ રહ્યું છે.
અલાસ્કા અને હવાઇયને જણાવ્યું હતું કે તેમની પાસે માત્ર અમુક રૂટ ઓવરલેપિંગ થાય છે અને જોડાણનો ઉદ્દેશ દેશની ચાર મુખ્ય એરલાઇનને સ્પર્ધા પૂરી પાડવાનો છે. આ ચાર એરલાઇનસમાં અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા એરલાઇન્સ, સાઉથવેસ્ટ એરલાઇન્સ અને યુનાઇટેડ એરલાઇન્સનો સમાવેશ થાય છે.
બંને કંપનીઓ સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનને મંગળવારે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો રિવ્યૂ પીરિયડ પૂરો થઈ ગયો છે. જોકે આ સોદો હજુ પણ પરિવહન ડિપાર્ટમેન્ટની મંજૂરીને આધીન છે.
ન્યાય વિભાગનો આ સોદાને ન પડકારવાનો નિર્ણય બાઇડન સરકારની તાજેતરની નીતિથી વિપરિત છે, કારણ કે સરકારે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં વધુ કોન્સોલિડેશનના તાજેતરમાં બે પ્રયાસાનો વિરોધ કર્યો હતો. જો અલાસ્કા અને હવાઇયનનો સોદો પાર પડશે તો 2016 પછી એરલાઇન ઇન્ડસ્ટ્રીનો એક મોટું મર્જર હશે.