(ANI Photo/Doordarshan Sports-X)
અમેરિકા 40 ગોલ્ડ સહિત કુલ 126 મેડલ સાથે ટોચના સ્થાને
બ્રિટન 14 ગોલ્ડ સહિત કુલ 65 મેડલ સાથે સાતમાં ક્રમે
પેરિસ ઓલિમ્પિક્સ 2024નું રવિવાર, 11 ઓગસ્ટે વિશાળ સ્ટેડ દ ફ્રાન્સ સ્ટેડિયમમાં ફિલ્મી સિતારાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાનદાર સમારંભ સાથે સમાપન થયું હતું અને આગામી ઓલિમ્પિક્સની કમાન લોસ એન્જેલસને સોંપાઈ હતી. ભારતીય પરેડની આગેવાની ઓલિમ્પિક મેડલ વિજેતા હોકી ટીમના ગોલકીપર પી. આર. શ્રીજેશ અને બે મેડલ પ્રાપ્ત કરનારી યુવા શૂટર મનુ ભાકરે કર્યું હતું.
ઓલિમ્પિક્સની મેડલ ટેલીમાં અમેરિકાનો દબદબો યથાવત રહ્યો હતો. 40 ગોલ્ડ, 42 સિલ્વર અને 44 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 126 મેડલ લઈ અમેરિકા પ્રથમ ક્રમે રહ્યું હતું અને ટોકિયો ઓલિમ્પિક્સ કરતાં વધુ મેડલ તેણે મેળવ્યા હતાં. ગ્રેટ બ્રિટન 14 ગોલ્ડ, 22 સિલ્વર, 29 બ્રોન્ઝ સાથે કુલ 65 મેડલ સાથે સાતમાં ક્રમે રહ્યું હતું, તો ભારત એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સાથે છેક 71માં સ્થાને રહ્યું હતું. પેરિસમાં કુલ 84 દેશોને મેડલ મળ્યા હતાં.
ચીન 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ મળી કુલ 91 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું. જાપાન 20 ગોલ્ડ સહિત કુલ 45 મેડલ સાથે ત્રીજા, ઓસ્ટ્રેલિયા 18 ગોલ્ડ સહિત કુલ 53 મેડલ સાથે ચોથા અને યજમાન ફ્રાન્સ 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 22 બ્રાન્ઝ સહિત 64 મેડલ સાથે પાંચમાં સ્થાને રહ્યું હતું.
અમેરિકાના મેડલ સૌથી વધુ હતાં, પરંતુ સૌથી સફળ એથ્લીટ ચીનનો ઝાંગ યુફેઈ રહ્યો હતો, તેણે પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર સાથે છ મેડલ હાંસલ કર્યા હતાં. ફ્રાન્સના લિયોન માર્ચેન્ડે  ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે પાંચ મેડલ હાંસલ કર્યા હતા.
ભારત તરફથી 47 મહિલાઓ સહિત 117 એથ્લેટ્સે ભાગ લીધો હતો. પ્રથમ મેડલ શૂટર મનુ ભાકરને મળ્યો હતો. તેને 10 મીટર પિસ્ટોલ ઇવેન્ટમાં બ્રાન્ઝ જીત્યો હતો. મનુએ ફરીથી ભારત માટે બીજા મેડલ જીતવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેને સાથી સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટર સ્વપ્નિલ કુસાલે પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતતા ભારતને શુટિંગમાં કુલ ત્રણ મેડલ મળ્યાં હતા.
ભારતીય હોકી ટીમે બ્રાન્ઝ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. ભાલા ફેંકમાં નીરજ ચોપરાને સિલ્વર મળ્યો હતો. ભારત માટે 2024 પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠો અને અંતિમ ચંદ્રક પણ ઐતિહાસિક હતો. 21 વર્ષના અમન સેહરાવતે પુરૂષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં પ્યુર્ટો રીકોના ડોરિયન ટોઇ ક્રુઝને 13-5 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હોકીમાં ભારત તેના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન કરે તેવી આશા જાગી છે, કારણ કે સતત બે ઓલિમ્પિક્સમાં ટીમ બ્રોન્ઝ મેડલ લાવી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું તથા જર્મની અને બ્રિટન સામે દબાણનો સામનો કર્યો હતો. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ ટીમ માનસિક રીતે મજબૂત છે.
ભારતીય પ્રશંસકોમાં દેશના દેખાવ અંગે મિશ્ર લાગણી રહી હતી. 1.4 બિલિયનની વસ્તી ધરાવતા રાષ્ટ્ર માટે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનું સાથેનો દેખાવ ઉતરતી કક્ષાનો રહ્યો હતો. દેશ આ વખતે એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યો ન હતો. અગાઉ 2020ની ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને એક ગોલ્ડ મેડલ સાથે કુલ સાત મેડલ મળ્યાં હતા. જોકે રીઓ 2016 કરતાં વધુ સારો દેખાવ રહ્યો હતો – રીઓ ઓલિમ્પિક્સમાં ભારતની મેડલની સંખ્યા માત્ર બે હતી. ભારતે ટોકિયોમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને એક ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ સહિત કુલ સાત મેડલ જીત્યા હતાં
પેરિસમાં મેડલની ખાસ અપેક્ષા હતી તેવા બેડમિન્ટન, બોક્સિંગ અને તીરંદાજીમાં સ્પર્ધકોનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. જોકે આગામી ઓલિમ્પિક્સ માટે ભારત પાસે આશાનું કિરણ છે કે કારણ કે છ ખેલાડીઓ ચોથા ક્રમે રહ્યાં હતા. આ ઉપરાંત વિનેશ ફોગાટ ગેરલાયક જાહેર થતાં ભારતે ગોલ્ડ અથવા સિલ્વર ગુમાવ્યો હતો.
જેવલિન થ્રો સુપરસ્ટાર નીરજ ચોપરાને આ વખતે ગોલ્ડની જગ્યાએ સિલ્વર મેડલ મળ્યો હતો. ઓલિમ્પિકની શરૂઆતમાં મેડલની સંખ્યા બે આંકડા પહોંચવાની આશા જાગી હતી.

LEAVE A REPLY