ખાલિસ્તાની સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની આગેવાની હેઠળના સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ (SFJ)’ પર વધુ પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશનને ભારતના ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ (UAPA) ટ્રિબ્યુનલે બહાલી આપી હતી.
દિલ્હી હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ અનૂપ કુમાર મેંદીરત્તાના આગેવાની હેઠળના ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આપેલા પુરાવા સાબિત કરે છે કે આ સંગઠનને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ જેવા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન છે. SFJને પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે પણ કનેક્શન છે, જે પંજાબમાં આતંકવાદને ફરી બેઠો કરવા માગે છે.
કેન્દ્ર ગૃહ મંત્રાલયે 9 જુલાઈ, 2024એ એક નોટિફિકેશન જારી કરીને SFJને વધુ પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પન્નુનની આગેવાની હેઠળની SFJની પ્રવૃત્તિઓ દેશની શાંતિ, એકતા અને અખંડિતતા સામે જોખમ ઉભું કરી શકે છે.