ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઇ હતી. રાજ્ય માટે પ્રસ્તાવિત UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ઉદ્દેશો, અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં ચર્ચા દરમિયાન, સમિતિએ વિવિધ હિતધારકો સાથેના સમાવિષ્ટ પરામર્શ દ્વારા વર્તમાન કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે પોતાના દ્રષ્ટિકોણની રૂપરેખા આપી હતી. આનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સુમેળને સુનિશ્ચિત કરતું પ્રગતિશીલ અને સશક્ત કાનૂની માળખું વિકસાવવાનો છે.
સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે, ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશકતા, ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કરશે તે રાજ્યના ભાવિ કાનૂની માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)