વૈશ્વિક બેંકિંગ જાયન્ટ HSBCએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે બ્રિટિશ ઇન્ડિયન પામ કૌરની નિમણૂક કરી છે. આની સાથે તેઓ HSBCના પ્રથમ મહિલા ફાઇનાન્સ વડા બન્યાં છે. 60 વર્ષીય કૌર 1 જાન્યુઆરી, 2025થી તેમનો આ હોદ્દો સંભાળશે. પામ કૌર છેલ્લાં 12 વર્ષથી HSBCમાં જોડાયેલા છે અને તેમને ગ્રુપ ચીફ રિસ્ક એન્ડ કોમ્પ્લાયન્સ ઓફિસર સહિતના સિનિયર હોદ્દા સંભાળ્યાં છે.
નવી ભૂમિકામાં તેઓ બેંકિંગ ક્ષેત્ર માટે નિર્ણાયક સમયે બેંકની નાણાકીય વ્યૂહરચના અને કામગીરીની દેખરેખ માટે જવાબદાર રહેશે. આ નિમણૂક બેંક માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે કારણ કે કૌર કંપનીના 160 વર્ષના ઈતિહાસમાં સીએફઓ પદ સંભાળનાર પ્રથમ મહિલા હશે.
HSBCમાં તાજેતરમાં ટોપના મેનેજમેન્ટમાં ફેરફાર થયાં હતાં, જેમાં ભૂતપૂર્વ CFO જ્યોર્જ એલ્હેડરીને જુલાઈમાં CEO તરીકે બઢતી આપવામાં આવી હતી. કૌર જોન બિંઘમ પાસેથી કાર્યભાર સંભાળશે, જેઓ વચગાળાના CFO તરીકે સેવા આપી રહ્યા છે.
લંડન સ્થિત પામ કૌરની કારકિર્દી લગભગ ચાર દાયકાઓ સુધી ફેલાયેલી છે. તેઓ 2013માં ગ્રુપ ઓડિટના વૈશ્વિક વડા તરીકે HSBCમાં જોડાયા હતા અને ઊંચા હોદ્દા પ્રાપ્ત કર્યા હતા. તેમણે બેન્કની ઇન્ટર્નલ કંટ્રોલ સિસ્ટમ અને રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતની પંજાબ યુનિવર્સિટીના સ્નાતક અને ફાયનાન્સમાં MBAની ડિગ્રી ધરાવરા કૌર અર્ન્સ્ટ એન્ડ યંગમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની લાયકાત પણ ધરાવે છે. તેમએ સિટીબેંકમાં આંતરિક ઓડિટમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સિટીગ્રુપ, લોયડ્સ બેન્કિંગ ગ્રૂપ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ અને ડોઇશ બેન્ક સહિતની નાણા સંસ્થાઓમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.