પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાર મહિના અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર પ્રતિબંધ મુકાયા પછી હવે યુટ્યૂબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકવાની તૈયારીઓ થઇ રહી છે. મોહરમના મહિનામાં ધૃણાસ્પદ બાબતોને નિયંત્રિત કરવા માટે 13થી 18 જુલાઇ દરમિયાન છ દિવસ માટે આ પ્રતિબંધ લાદવામાં આવશે. મુખ્ય પ્રધાન મરયમ નવાઝ સરકારની કાયદો અને વ્યવસ્થા અંગેની કેબિનેટ કમિટીએ પ્રાંતના 120 મિલિયનથી વધુ લોકો પર આ પ્રતિબંધ મુકવાની ભલામણ કરી હતી. આ અંગેનું એક જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પંજાબ સરકારે કેન્દ્રની શેહબાઝ શરીફની સરકારને પણ છ દિવસ માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. પાકિસ્તાનની આર્મીના વડા જનરલ અસીમ મુનીરે અગાઉથી જ સોશિયલ મીડિયાને “દુષ્ટ મીડિયા” જાહેર કરી ચુક્યા છે અને તેમણે તેને “ડિજિટલ ત્રાસવાદ” કહીને તેની સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક દારે પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે અનુરોધ કર્યો હતો.

LEAVE A REPLY