પાકિસ્તાનના હિંસાગ્રસ્ત બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના 240 મિલિયન ડોલરના ફંડ સાથેનું ગ્વાદર એરપોર્ટ ઓક્ટોબર 2024માં સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હતું. 4,300 એકર જમીનમાં ફેલાયેલ એરપોર્ટને આ વર્ષના 20 જાન્યુઆરીએ સત્તાવાર રીતે ખુલ્લુ મુકાયું હતું, પરંતુ ત્યાં કોઇ વિમાન કે મુસાફરો હજુ સુધી જોવા મળ્યાં નથી. ઘણા મહિનાથી બેકાર પડી રહેલું પાકિસ્તાનનું આ સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે એક કોયડો બની ગયું છે.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું PK 503 એરક્રાફ્ટ નવા એરપોર્ટ પર આવનાર પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ હતી, જે તેના ઉદ્ઘાટન બાદ વ્યાપારી મુસાફરો અને ઉચ્ચ અધિકારીઓ સાથે આવ્યું હતું. જોકે વાર્ષિક 4 લાખ મુસાફરોને હેન્ડલ કરવા બનાવાયેલા આ એરપોર્ટ માટે કોઇ શિડ્યુલ્ડ ફ્લાઇટ નથી. સુરક્ષાની ચિંતાને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના વડાપ્રધાન લી કિઆંગે એરપોર્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રથમ ફ્લાઇટ પણ મીડિયા અથવા લોકોની હાજરી વિના ઉતરી હતી.
ચીનના શિનજિયાંગ પ્રાંતને અરબી સમુદ્ર સાથે જોડતા ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટના ભાગરૂપે આ એરપોર્ટ તૈયાર કરાયું છે અને પાકિસ્તાન તેને મોટો પ્રોજેક્ટ ગણાવતું હતું. જોકે ગ્વાદરના લોકો કહે છે કે આ પ્રોજેક્ટથી ભાગ્યે જ કોઇ ફાયદો થયો છે.
બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ગ્વાદરમાં વીજ પુરવઠો અને સ્વચ્છ પાણી જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓનો પણ અભાવ છે. પાકિસ્તાન-ચીન બાબતોના નિષ્ણાત અઝીમ ખાલિદે જણાવ્યું હતું કે આ એરપોર્ટ પાકિસ્તાન કે ગ્વાદર માટે નથી.તે ચીન માટે છે, જેથી તેઓ તેમના નાગરિકોને ગ્વાદર અને બલૂચિસ્તાનમાં સુરક્ષિત પ્રવેશ કરાવી શકે.
બલૂચિસ્તાનમાં સુરક્ષા પડકારો વચ્ચે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાંતના અલગતાવાદી જૂથો પાકિસ્તાની સુરક્ષા દળો અને ચીની કામદારો બંનેને ટાર્ગેટ બનાવી રહ્યાં છે અને તેમના શોષણનો વિરોધ કરે છે.પાકિસ્તાને ચીની રોકાણોને બચાવવા માટે ગ્વાદરમાં તેની સૈન્ય હાજરી વધારી છે, જેના કારણે વધુ ચેકપોઇન્ટ ઊભા કરાયા છે અને હિલચાલ પર નિયંત્રણો છે.
