ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને રાજ્યના દરેક જિલ્લાની પોલીસે 27 એપ્રિલની સમયમર્યાદા પહેલાં ભારત છોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે 27 એપ્રિલથી પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવાની જાહેરાત કરી હતી.
શુક્રવારે વડોદરામાં પત્રકારો સાથે વાતચીત કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ કરવો એ દરેક રાજ્ય સરકારની ફરજ છે. તે મુજબ, ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લા પોલીસ અધિક્ષકોને તાત્કાલિક અસરથી આ આદેશનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.”શુક્રવાર સવારથી, પાકિસ્તાની વિઝા ધારકોને વિવિધ જિલ્લાઓના સંબંધિત પોલીસ સ્ટેશનોમાં બોલાવવામાં આવી રહ્યા છે અને સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં ભારત છોડી દેવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ તેમજ શહેરો અને જિલ્લાઓના સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓએ પાકિસ્તાની વિઝા ધારકો સમયમર્યાદા પહેલાં ભારત છોડી દે તે સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીઓને પરેશાન ન કરવાનો પણ પોલીસને આદેસ અપાયો છે.
