અમેરિકાના ન્યાય વિભાગે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના રાજકીય નેતાઓ અને અધિકારીઓની હત્યાના નિષ્ફળ કાવતરામાં સંડોવણી બદલ ઇરાન સાથે કનેક્શન ધરાવતા એક પાકિસ્તાન નાગરિકની સામે આરોપો ઘડ્યા છે, એમ મંગળવારે જારી કરાયેલા કોર્ટ દસ્તાવેજમાં જણાવ્યું હતું. આ કેસને પગલે સરકારે ટ્રમ્પ અને બીજા અધિકારીઓની સુરક્ષામાં વધારો કર્યો હતો.
પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટની ગયા મહિને ધરપકડ કરાઈ હતી.અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર ગયા મહિને પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ સાથે તેનો કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આમ છતાં ટ્રમ્પ તેનો ટાર્ગેટ હોવાનું માનવામાં આવે છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટ, 46, કથિત રીતે એક રાજકારણી અને કેટલાક અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર કાસિમ સુલેમાનીની યુએસ હત્યાનો બદલો લેવા માટે અન્ય વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
આ અંગે માહિતી આપતા એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ જણાવ્યું હતું કે પૈસાના બદલામાં હત્યાનું આ ખતરનાક કાવતરું કથિત રીતે ઈરાન સાથે નજીકના સંબંધો ધરાવતા પાકિસ્તાની નાગરિકે ઘડ્યું હતું.
કોર્ટના દસ્તાવેજો અનુસાર આસિફ મર્ચન્ટ પાકિસ્તાની નાગરિક છે. તેનો જન્મ 1978ની આસપાસ કરાચીમાં થયો હતો. FBIએ તેમના વિશે જણાવ્યું કે આસિફ મર્ચન્ટની પત્ની અને બાળકો ઈરાનમાં છે અને અન્ય પરિવાર પાકિસ્તાનમાં છે. તેના પ્રવાસના રેકોર્ડ મુજબ, આસિફ મર્ચન્ટ અવારનવાર ઈરાન, સીરિયા અને ઈરાક જતો હતો.
FBI અનુસાર, આસિફ મર્ચન્ટ એપ્રિલ 2024માં પાકિસ્તાનથી અમેરિકા પહોંચ્યો હતો. જ્યાં તેણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો જેના પર તેને વિશ્વાસ હતો કે તે તેની હત્યાના કાવતરામાં મદદ કરી શકે છે.