પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોને ભારે નિરાશા અને ટીમ તથા ક્રિકેટ બોર્ડને ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ભારે નામોશી તો મળ્યા જ હતા, એ પછી દાઝ્યા ઉપર ડામ દેવાયો હોય તેમ ટુર્નામેન્ટની યજમાનીમાંથી પીસીબીને કોઈ આર્થિક નફો થવાના બદલે રૂ. 800 કરોડ જેટલી રકમનું માતબર નુકશાન પણ થયાનું મીડિયા અહેવાલો સૂચવે છે.
પાકિસ્તાનની ધારણા તો આ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન થકી અબજો રૂપિયાનો ફાયદો થવાની હતી, પરંતુ તેના પાસા ઉલ્ટા જ પડ્યા હતા. પીસીબીએ સ્ટેડિયમ્સમાં સુધારામાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હતા, પણ સરવાળે તેને 85 ટકા નુકસાન વેઠવું પડ્યું હતું.
PCB એ ચેમ્પિયન્સ ટ્રોફી પાછળ લગભગ 851 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પણ તેને માત્ર રૂ. 52 કરોડની જ કમાણી થયાનું જાણવા મળે છે, જે મુજબ તેને લગભગ 799 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેની અસર ખેલાડીઓને પણ થયાનું જાણવા મળે છે. પીસીબીએ આ નુકસાન શક્ય એટલું ઓછું કરવા પાકિસ્તાનના ક્રિકેટરોની મેચ ફીમાં ભારે ઘટાડો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનમાં 3 શહેરો – લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાઈ હતી. પીસીબીએ આ ત્રણ સ્ટેડિયમના રીવોનેશન માટે લગભગ $58 મિલિયનનો (લગભગ 504 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ કર્યો હતા.
પીસીબીના ચેમ્પિયન્સ ટ્રોફીના કુલ બજેટનો એ લગભગ 50 ટકાથી વધુ હિસ્સો હતો. ટુર્નામેન્ટમાં પણ ટીમનો દેખાવ શરમજનક રહ્યો હતો અને લીગ સ્ટેજની ત્રણમાંથી એકપણ મેચમાં વિજય નહીં મેળવી શક્યાના કારણે પાકિસ્તાન સેમિફાઈનલ્સમાં પહોંચી જ શકી નહોતી. પાકિસ્તાનની ટીમનો ન્યૂઝીલેન્ડ અને ભારત સામે પરાજય થયો હતો, તો બાંગ્લાદેશ સામેની મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
