(ANI Photo)
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠક માટે આમંત્રણ આપ્યું છે, એમ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું. જોકે પાકિસ્તાનમાં આ સમીટમાં મોદી હાજર રહે છે કે કોઇ પ્રતિનિધિને મોકલે છે તે જોવાનું રહ્યું.
એક સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે 15-16 ઓક્ટોબરના રોજ યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક દેશોએ પહેલાથી જ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. કયા દેશે પુષ્ટિ કરી છે તે સમયસર જાણ કરાશે.
ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે લાંબા સમયથી સંબંધો વણસેલા છે. જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દા તેમજ પાકિસ્તાનનો સીમાપાર આતંકવાદનો આતંકવાદ છે.
SCO સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે, તે એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા સંગઠન છે.
ભારત સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પ્રવક્તાએ કહ્યું હતું કે “પાકિસ્તાનનો ભારત સાથે સીધો દ્વિપક્ષીય વેપાર નથી.”ભારતીય સંસદે 5 ઓગસ્ટ, 2019ના રોજ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કર્યા પછી પાકિસ્તાને ભારત સાથેના તેના સંબંધોને ડાઉનગ્રેડ કર્યા છે.

LEAVE A REPLY