પાકિસ્તાને એક આશ્ચર્યજનક દાવો કરીને જણાવ્યું છે કે, ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો છે. પાકિસ્તાનની જિયો ટીવીના રીપોર્ટમાં જણાવ્યા મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાજ જહરા બલૂચે જૂનાગઢ અંગે નિવેદન આપ્યું છે. જહરાએ મીડિયાના રીપોર્ટર્સ સાથેની ચર્ચામાં કહ્યું કે, જૂનાગઢના મુદ્દે પાકિસ્તાનની નીતિ હંમેશા સ્પષ્ટ રહી છે. જૂનાગઢને પાકિસ્તાનમાં જોડી દીધું હતું. પાકિસ્તાન આ મામલાને ઐતિહાસિક અને કાયદાકીય દૃષ્ટિકોણથી ધ્યાનમાં રાખે છે. જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હતું અને ભારતે તેના પર ગેરકાયદે કબજો કરીને યુએનની સમજૂતી અને ઇન્ટરનેશનલ નિયમોનો ભંગ કર્યો છે.
બલૂચે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા રાજકીય અને કૂટનીતિક મંચો પર જૂનાગઢના મુદ્દાને ઉઠાવતું રહ્યું છે. અમે આ મુદ્દાનું શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન જૂનાગઢ મુદ્દાને પણ જમ્મુ-કાશ્મીરની જેમ અધુરો એજન્ડા માને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2020માં પાકિસ્તાનમાં તત્કાલીન વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારે નવો રાજકીય નકશો પ્રસિદ્ધ કરીને રાજકીય નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાનું ક્ષેત્ર ગણાવ્યું હતું અને જૂનાગઢને પણ પોતાના હિસ્સા તરીકે દર્શાવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાનનો રાજકીય નકશો જોયો છે, જે વડાપ્રધાન ઈમરાનખાને જાહેર કર્યો છે. આ રાજકીય મુર્ખતા છે, જેમાં ગુજરાતના જુનાગઢ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રો પર ખોટા દાવા કર્યા છે. આ હાસ્યાસ્પદ દાવાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભરોસાપાત્ર નથી.

LEAVE A REPLY