પાકિસ્તાની સેનાએ ભારત પર 2024માં લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી)નો 25 વાર ભંગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે ધમકી આપી હતી કે ભારતીય સેના હુમલો કરશે તો તેનો તાત્કાલિક પ્રતિભાવ આપીશું. પાકિસ્તાનની સેનાના પ્રવક્તા લેફ્ટેનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ તાજેતરમાં મીડિયાને સાથેની ચર્ચા દરમિયાન આ આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે આ આક્ષેપો અંગેની કોઈ પ્રકારની વિગતો આપી નથી. પ્રવક્તાએ કહ્યું કે સેનાએ 2024માં ઓછામાં ઓછા 925 ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા અને વિવિધ ઓપરેશનોમાં પોતાના 383 જવાનો ગુમાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સેના મુખ્યત્વે બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઉગ્રવાદના પડકારોનો સામનો કરી રહી છે. ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના પાસે ભારતની કોઈ પણ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવાની ક્ષમતા છે. જોકે, હકીકત એ છે કે ભારતે વિશ્વના વિવિધ મંચો પર સાબિત કર્યું છે કે, પાકિસ્તાન ભારતીય ક્ષેત્રમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, આમ છતાં પાકિસ્તાન ભારત પર આવા આક્ષેપો કરે છે તે જરા પણ સ્વીકાર્ય નથી.