દેશના 76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે પદ્મ પુરસ્કાર વિજેતાના નામોની જાહેરાત કરાઈ હતી. ગુજરાતની આઠ હસ્તીઓની પણ આ પ્રતિષ્ઠ એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. અમદાવાદના જાણીતા કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ અને ઝાયડસ ગ્રુપના સ્થાપક પંકજ પટેલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં
પદ્મશ્રી ઓવૉર્ડથી સન્માનિત પ્રતિભાઓમાં ચંદ્રકાંત શેઠ (મરણોત્તર-સાહિત્ય અને શિક્ષણ), તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ), ચંદ્રકાંત સોમપુરા (સ્થાપથ્ય), પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા ક્ષેત્ર), રતન કુમાર પરીમુ (કલા ક્ષેત્ર), સુરેશ હરિલાલ સોની (સામાજિક સેવા)નો સમાવેશ થાય છે.
પંકજ પટેલે આ એવોર્ડ “ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના તમામ ફાર્માસિસ્ટ અને સંશોધકોને” સમર્પિત કર્યો હતો. અયોધ્યાના રામ મંદિરના આર્કિટેક્ટ અને સમગ્ર ભારતમાં ઘણા અન્ય મુખ્ય મંદિરોના શિલ્પી 82 વર્ષીય ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે તેમના કાર્યને માન્યતા મળી છે. મારો પરિવાર આઠ પેઢીઓથી આર્કિટેક્ચર સાથે સંકળાયેલો છે. મારા દાદા, પ્રભાશંકર સોમપુરા પણ 1973માં પદ્મશ્રીથી સન્માનિત હતા.
એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા અને એલડી મ્યુઝિયમ જેવી સંસ્થાઓમાં સેવા આપનારા રતન પરીમૂએ જણાવ્યું હતું કે કલા, કલા શિક્ષણ અને સંગ્રહાલયોમાં યોગદાનમાં અડધી સદી કરતાં વધુ સમય વિતાવ્યા બાદ આ સન્માન ખૂબ જ સારું લાગ્યું છે.
સાબરકાંઠા સ્થિત સહયોગ ટ્રસ્ટના સ્થાપક સુરેશ સોનીનું રક્તપિત્તના દર્દીઓ અને માનસિક અને શારીરિક વિકલાંગ લોકો માટે તેમના અવિરત કાર્ય માટે પદ્મશ્રીથી સન્માન કરાયું છે.
પદ્મશ્રી મળવા પર પ્રસિદ્ધ કવિ તુષાર શુક્લાએ જણાવ્યું હતું કે તે ચોક્કસપણે ગુજરાતી સાહિત્ય માટે એક સન્માન અને માન્યતા છે. હું માનું છું કે ડિજિટલ સ્પેસમાં મારા કામે મને યુવા પેઢી અને નવા વિચારો સાથે જોડ્યો છે.