પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ યાત્રિકો ઉપસ્થિત રહ્યા છે. કહેવાય છે કે, માનવ ઇતિહાસમાં કોઇ પણ સમારોહમાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય તેનું પ્રમાણ નથી. ચીન અને ભારતની વસ્તી સિવાય મહાકુંભમાં સામેલ આટલા લોકો જેટલી દુનિયાના મોટા દેશોની વસ્તી પણ નથી. અમેરિકા, રશિયા, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં પણ વધુ લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. મહાકુંભના સમાપનના 12 દિવસ પહેલા જ તીર્થયાત્રીઓની સંખ્યાનો રેકોર્ડ સર્જાયો છે. એક અભૂતપૂર્વ સિદ્ધિ તરીકે મહાકુંભમાં 300 સફાઈ કર્મીઓએ પહેલીવાર નદી સફાઈના પ્રયાસ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. આ મહાન ઘટના મહાકુંભ ઉત્સવ દરમિયાન કેટલાય ગંગા ક્ષેત્રોમાં બની છે. મહાકુંભ મેળાના સીઈઓ આકાંક્ષા રાણેએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન આવા અન્ય કેટલાક રેકોર્ડ બનશે. આવનારા દિવસોમાં કુલ મળીને 15000 સફાઈ કર્મીઓ આ પ્રયાસમાં સામેલ થશે.
પોલીસે પ્રયાગરાજમાં મહાકુંભ અંગે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવા માટે ગત મહિને 53 સોશિયલ મીડિયા એકાઉન્ટની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી સરકારના બોગસ સમાચારો પર કાબુ લગાવવાના આદેશ આપ્યા પછી કરવામાં આવી છે. જૂના વીડિયો સહિત કેટલીક ભ્રામક પોસ્ટોની ઓળખ કરવામાં આવી છે, જે ખોટી રીતે આ મહાકુંભ મેળાના આયોજન સાથે જોડવામાં આવી છે.

LEAVE A REPLY