ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 56 ટકાથી વધુ મતદાન થયું હતું. ચૂંટણીનું રિઝલ્ટ 18 ફેબ્રુઆરીએ જાહેર કરાશે.
બોટાદ અને વાંકાનેર નગરપાલિકા અને રાજ્યની અન્ય સ્થાનિક અને શહેરી સંસ્થાઓની 124 બેઠકો માટે એક સાથે પેટાચૂંટણી પણ યોજાઈ હતી. આ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં કુલ 5,084 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા.
ભાજપે જણાવ્યું હતું કે તે ભચાઉ, જાફરાબાદ, બાંટવા અને હાલોલ સહિત ચાર નગરપાલિકા જીતવા માટે તૈયાર છે કારણ કે તેની તરફેણમાં ‘બિનહરીફ’ જાહેર કરાયેલી બેઠકોની સંખ્યા આ દરેક નાગરિક સંસ્થાઓમાં જરૂરી બહુમતી કરતાં વધુ છે.
રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટેના 27 ટકા ક્વોટા પર આધારિત સ્થાનિક સંસ્થાઓની ગુજરાતમાં આ પ્રથમ ચૂંટણી હતી. કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું. અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાઈ હતી.
જે નગરપાલિકાઓ માટે મતદાન થયું હતું તેમાં બાવળા, સાણંદ, ધંધુકા, માણસા, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા, વલ્લભ વિદ્યાનગર, બોરીયાવી, કરમસદ, આંકલાવ, ઓડ, લુણાડવા, સંતરામપુર, બાલાશિનોર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, હારીજ, ચાણસ્મા, રાધનપુર, ખેરાલુ, વિજાપુર, વડનગર, થરાદ, કરજણ, છોટા ઉદેપુર, ઝાલોદ, દેવગઢ બારીયા, કાલોલ હાલોલ, બીલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ, સલાયા, દ્વારકા, ભાણવડ, બી. , માંગરોળ, વિસાવદર, વંથલી, ચોરવાડ, કોડીનાર, રાપર, ભચાઉ, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા, શિહોર, ગારીયાધાર, તળાજા, ગઢડા, બોટાદ, જસદણ, જેતપુર-નવાગઢ, ભાયાવદર, ઉપલેટા, હળવદ, વાંકાનેર, થાનગઢ, કુતિયાણા અને રાણાવાવનો સમાવેશ થાય છે.
