પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુમ્ભ મેળામાં માઘી પૂર્ણિમાના પર્વ નિમિત્તે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુધવારે સાંજ સુધીમાં બે કરોડથી વધુ યાત્રિકોએ સ્નાન કર્યું હતું. માઘી સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુથી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સવારે 4 કલાકથી ચાંપતી નજર રાખી રહ્યા હતા. લખનઉ ખાતે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ઊભા કરાયેલા વોર રૂમમાંથી તેમણે સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બુધવારે માઘી પૂર્ણિમાના સ્નાન ઉપરાંત એક મહિના લાંબા કલ્પવાસનું પણ સમાપન થયું છે. જેના પગલે 10 લાખ જેટલા કલ્પવાસીઓ કુંભમેળામાંથી પ્રસ્થાન શરૂ કરશે. વહીવટીતંત્ર દ્વારા તેમને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને નિયત થયેલી પાર્કિંગની જગ્યાઓનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. સરકારની સત્તાવાર યાદી મુજબ, ત્રિવેણી સંગમ તથા અન્ય ઘાટો પર સાંજે 6 કલાક સુધીમાં બે કરોડથી વધુ શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાન કર્યું છે. કુંભમેળાના પ્રારંભથી માંડીને બુધવાર સુધીમાં ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા આ સાથે 47 કરોડને પાર કરી ગઈ છે.
આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ભારે ભીડની શક્યતા હોવાથી આ દિવસે વીઆઈપી પ્રોટોકોલ રાખવામાં આવ્યો ન હતો. ક્રિકેટર અનિલ કુંબલે અને તેમની પત્ની ચૈતના રામતિર્થ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ હોડી મારફતે સંગમ સ્થળ સુધી પહોંચ્યા હતા. માઘી સ્નાન નિમિત્તે સમગ્ર વિસ્તારને મંગળવારે સવારે 4થી નો-વ્હિકલ ઝોન જારે કરી દેવાયા હતો, જ્યારે સાંજે પાંચથી સમગ્ર શહેરમાં નો-વ્હિકલ ઝોન હતો.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)