પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીમાં રવિવાર, 1 પહેલી ડિસેમ્બરે એક ફૂટબોલ મેચમાં ચાહકો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 100 લોકોના મોતની થયાં હતા. ગિનીના બીજા સૌથી મોટા શહેર એનઝેરેકોરમાં મેચ દરમિયાન રેફરીના વિવાદાસ્પદ નિર્ણયથી ચાહકો રોષે ભરાયા હતા અને હિંસક સંઘર્ષ ચાલુ થયો હતો. ગિની સરકારે સોમવારે જણાવ્યું હતું કે રવિવારે બપોરે એક સોકર સ્ટેડિયમમાં થયેલી અથડામણમાં લગભગ 56 લોકો માર્યા ગયા હતાં અને અનેક ઘાયલ થયા હતાં.
હોસ્પિટલના સૂત્રોએ સામૂહિક હત્યાના દ્રશ્યોનું વર્ણન કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નજર જઈ શકે ત્યાં સુધી મૃતદેહોની લાઇન હતી. બીજા મૃતદેહો હોલ તરફના રસ્તાના ફ્લોર પર પડેલા હતાં. શબઘર સંપૂર્ણ ભરેલું હતું. લગભગ 100 મૃતકો હતાં.
ફૂટબોલ ચાહકો વચ્ચેની અથડામણના કેટલાંક વીડિયો ફરતા થયાં હતાં. તેમાં મેચની બહાર ગલીમાં અરાજકતાના દ્રશ્યો અને જમીન પર પડેલા અસંખ્ય મૃતદેહો દર્શાવવામાં આવ્યા હતાં. ગુસ્સે થયેલા દેખાવકારોએ એક પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને તેને આગને હવાલે કર્યું હતું.
મેચ દરમિયાન રેફરીના વિવાદાસ્પદ નિર્ણયથી ચાહકો રોષે ભરાયા હતાં અને પિચ પર આક્રમણ કર્યું હતું. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે આ મેચ ગિનીના જુન્તા નેતા મામાડી ડુમ્બુયાના માનમાં આયોજિત ટુર્નામેન્ટનો એક ભાગ હતી. ડુમ્બુયાએ 2021માં બળવા કરીને સત્તા કબજે કરી હતી અને પોતાને પ્રમુખ તરીકે સ્થાપિત કર્યા હતાં.