ગુજરાતના દાહોદ જિલ્લામાં લગ્નેત્તર સંબંધોની આશંકામાં 35 વર્ષની એક આદિવાસી મહિલાને અર્ધનગ્ન કરીને એક ટોળાએ પરેડ કરાવતા આક્રોશ ફેલાયો હતા. મહિલાના સસરાની આગેવાની હેઠળના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો અને કપડા ફાટી નાંખ્યા હતા અને બાઇક સાથે બાંધીને ઢસડી હતી. તેની આ અગ્નિપરીક્ષાનો વીડિયો વાયરલ બન્યા પછી પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ઘટના 28 જાન્યુઆરીએ સંજેલી તાલુકાના એક ગામમાં બની હતી. 29 જાન્યુઆરીએ 15 વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અમે 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં ચાર પુરૂષો, ચાર મહિલાઓ અને ચાર કિશોરોનો સમાવેશ થાય છે. અમને આ ઘટના વિશે જાણ કરવામાં આવ્યા પછી,અમે મહિલાને તેના સસરાના ઘરમાંથી છોડાવી હતી. એફઆઈઆર મુજબ પીડિતાનું ગામના જ એક વ્યક્તિ સાથે અફેર હતું અને તે ઘટનાના દિવસે તેને મળવા ગઈ હતી.
તેના સસરા બહાદુર ડામોર અને તેના પતિના ભાઈ સંજય ડામોરની આગેવાની હેઠળનું ટોળું કેટલીક મહિલાઓ સાથે આ પુરુષના ઘરમાં ઘુસી ગયું હતું, પીડિતા પર હુમલો કર્યો હતો, તેના આંશિક રીતે કપડા ઉતાર્યા હતા અને હાથ સાંકળથી બાંધીને ગામમાં પરેડ કરાવી હતી. આ પછી મહિલાને મોટરસાઇકલ સાથે બાંધીને ખેંચવામાં આવી હતી.
મહિલાને ઘર લઈને રૂમમાં પૂરી દેવાઈ હતી. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ઘટના પર ભાજપ સરકારની ટીકા કરી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે.
