(ANI Photo)

ગત વર્ષે માર્ચમાં સિનેમા હોલમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકોએ આવકારી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે કર્યું હતું. ભારત તરફથી આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી. હવે આ ફિલ્મ ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જોકે, અન્ય એક હિન્દી ભાષાની ફિલ્મ ‘સંતોષ’ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ઓસ્કારમાં આ કેટેગરીમાં 85 ફિલ્મો મોકલવામાં આવી હતી, તેમાંથી 15 ફિલ્મનો શોર્ટ લિસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ યુકેના સંધ્યા સુરી દ્વારા દિગ્દર્શિત યુકેની ઓફિશિયલ એન્ટ્રી છે. આ ફિલ્મ ગત વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રીમિયર થઈ હતી, જેને સમીક્ષકોએ પસંદ કરી હતી.

કિરણ રાવ અર્થપૂર્ણ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને દર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મે સારો બિઝનેસ પણ કર્યો હતો.

આ ફિલ્મમાં ટ્રેનમાં પત્ની બદલાઈ જવાની બે મહિલાઓની સરળ વાર્તા લાખો લોકોના હૃદયને સ્પર્શી ગઈ. આ ફિલ્મને ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કાર 2025 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં મોકલવામાં આવી હતી. ભારતમાંથી એન્ટ્રી મોકલતી વખતે આ ફિલ્મે પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને પાછળ રાખી દીધી હતી. જોકે, ઓસ્કાર માટે ‘લાપતા લેડીઝ’ની પસંદગી પહેલાંથી જ વિવાદાસ્પદ રહી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ની પ્રશંસા થઇ હોવા છતાં અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ માટે એન્ટ્રી મળી છતાં તેને ન મોકલવાથી ઘણા લોકોએ પસંદગી સમિતિનો પણ વિરોધ કર્યો હતો.

આ ફિલ્મ ભલે ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન થઈ હોય, પરંતુ બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મ નિર્માત્રી સંધ્યા સૂરીની ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘સંતોષ’, જે યુકે દ્વારા મોકલવામાં આવી છે, તેને આ કેટેગરીના આગળના રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.

આ ફિલ્મની કહાની મુજબ,“પોતાની ઘરની સમસ્યાઓ અને જરૂરિયાતોમાંથી બહાર આવવા માટે સંતોષ નામની એક યુવા વિધવા પોતાના મૃત પતિની પોલીસની નોકરી સ્વીકારવાનું નક્કી કરે છે. જેને એક પ્રભાવશાળી મહિલા પોલીસ ઓફિસર શર્માની અંડર પોસ્ટિંગ આપવામાં આવે છે. સંતોષ એક નીચી જાતિની છોકરીની ક્રુર હત્યાના કેસની તપાસમાં જોડાય છે અને તેનો ગુના અને ભ્રષ્ટાચારની દુનિયામાં પ્રવેશ થાય છે. આ દરમિયાન તેને ભાંગેલા-તૂટેલાં વહીવટીતંત્રનો સામનો કરવાની સાથે પોતાની જગ્યા બનાવવા પણ સંઘર્ષ કરવો પડે છે.”

આ ફિલ્મમાં શહાના ગોસ્વામીએ સંતોષની ભૂમિકા ભજવી છે અને સુનિતા પવારે ઓફિસર શર્માના રોલમાં છે. શહાનાએ આ વાતની ખુશી પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે લખ્યું હતું, “અમારી ફિલ્મ સંતોષની જે નાની નોંધ લેવાઈ છે, તેના માટે હું બહુ જ ખુશ છું અને ખાસ તો અમારા લેખિકા-દિગ્દર્શક સંધ્યા સુરીની આભારી છું. 85 ફિલ્મોમાંથી શોર્ટલિસ્ટ થવું એ કેટલીક અદ્દભુત વાત છે. જેમણે અમને પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો તેમજ મત આપ્યા એ દરેકની હું આભારી છું.”

ઓસ્કારની 23 કેટેગરીની ફિલ્મો માટેનું અંતિમ વોટિંગ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે થશે અને 17 જાન્યુઆરીએ વિજેતાઓ જાહેર થશે.

LEAVE A REPLY