સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળી માતાજીમાંથી માતાજીના શણગારના સોનાના ૬ હાર અને ૨ મુગટોની ચોરીના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ.૭૮ લાખ મુલ્યના સોનાના ૬ કિંમતી હાર અને બે મુગટો જપ્ત કર્યા હતાં.
જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે મહાકાળી મંદિરમાંથી ૬ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની ફરિયાદ ૬થી ૭ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરાઈ હતી.મંદિર તેમજ તળેટીના સીસીટીવી ફૂટેજાની ઝીણવટ ભરી તપાસ કરાઈ હતી. આ ઘટનામાં તપાસ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુર ગામના વિદુર ચંદ્રસિંહ વસાવાની સંડોવણી બહાર આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મંદિરમાં ચોરીની ઘટના ૨૮મીના રોજની વહેલી સવારે અને દિપાવલી પર્વના આરંભના વાઘ બારસના દિને બની હતી. આ ઘટના પછી મંદિર ટ્રસ્ટના શ્રેષ્ઠીઓએ મહાકાળી માતાજીના મંદિરનું 8 નવેમ્બરે શુધ્ધીકરણ કર્યું હતું. તેનાથી એક દિવસ માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.