ભારતના લોકપાલે જણાવ્યું છે કે સેબીના વડા માધવી પુરી બુચ સામે હિતોના ટકરાવ અને અયોગ્ય વર્તનના આરોપો કરતી લોકસભા સાંસદની ફરિયાદ કોઇ તપાસનો આદેશ આપવા માટે પૂરતી નથી. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના રીપોર્ટને આધારે વિવિધ વ્યક્તિઓએ લોકપાલમાં બે ફરિયાદ દાખલ કરી હતી.
આ બે ફરિયાદો અંગે નિર્ણય કરતાં લોકપાલે ફરિયાદીઓને જણાવ્યું હતું કે તેઓ હિન્ડેનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ કરાયેલા દાવાઓની અધિકૃતતા અને વિશ્વસનીયતા ચકાસવા માટે તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો દર્શાવતી એફિડેવિટ ફાઇલ કરે. 20 સપ્ટેમ્બરના આદેશમાં લોકપાલે સંબંધિત વ્યક્તિના એવા આરોપોને સ્પષ્ટ કરવા જણાવ્યું છે કે જેમાં ભ્રષ્ટાચાર વિરોધી ધારા 1988 હેઠળ ભ્રષ્ટાચારનો ગુનો બની શકે છે. લોકપાલનો આ આદેશ હવે જારી કરાયો છે. જેમાં જણાવાયું છે કે આ મામલાના રાજનીતિકરણ સહિતની અટકળો અને ભ્રામક માહિતીને દૂર કરવા તે જાહેર કરાયો છે.
લોકપાલે જણાવ્યું હતું કે લોકસભા સાંસદે કરેલી ફરિયાદ એવો અભિપ્રાય બાંધવા માટે પૂરતી નથી કે આ મામલામાં તપાસ સહિત આગળની કાર્યવાહી કરવા માટે લોકપાલ ધારાની કલમ 20 હેઠળ પ્રથમદર્શીય કેસ બની છે.
X પરની એક પોસ્ટમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ 13 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેમણે લોકપાલમાં સેબીના વડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને લોકપાલે પ્રાથમિક તપાસ માટે આ ફરિયાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને મોકલવી જોઈએ.
ફરિયાદીના નામનો ઉલ્લેખ કર્યા વગર લોકપાલે જણાવ્યું હતું કે તેની ઓફિસમાં ફાઇલ કરાયેલ ફરિયાજ 11 સપ્ટેમ્બર, 2024ની છે, જેની સંપૂર્ણ નકલ મીડિયામાં સાર્વજનિક કરાઈ હતી. બીજી તરફ “લોકપાલ (ફરિયાદ) નિયમો, 2020ના નિયમ 4 મુજબ તપાસનું તારણ ન આવે ત્યાં સુધી ફરિયાદી કે જેની સામે ફરિયાદ થઈ છે તેવા જાહેર સેવકની ઓળખ જાહેર કરી શકાય નહીં.