નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવાર, 16 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતાં, 2019મા કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વાર ચૂંટાયેલી સરકારની રચના થઈ છે.
જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ અબ્દુલ્લાને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. અબ્દુલ્લાએ બીજી વાર મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના દાદા શેખ અબ્દુલ્લા અને પિતા ફારુક અબ્દુલ્લા બાદ અબ્દુલ્લા પરિવારની તેઓ ત્રીજી પેઢીના મુખ્યપ્રધાન છે. અબ્દુલ્લા સાથે પાંચ પ્રધાનોએ પણ શપથ લીધા હતા.
શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારંભમાં વિપક્ષી સંગઠન ઈન્ડિયા બ્લોકના નેતાઓએ સંપૂર્ણ તાકાત સાથે હાજરી આપી હતી.કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખડગે, સપાના વડા અખિલેશ યાદવ, ડાબેરી નેતાઓ પ્રકાશ કરાત અને ડી રાજા, ડીએમકેના કનિમોઝી અને એનસીપીના સુપ્રિયા સુલે, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી સહિતના વિપક્ષી નેતાઓ હાજર રહ્યાં હતાં.
મુખ્ય પ્રધાન તરીકે તેમનો પ્રથમ કાર્યકાળ 2009 થી 2014 સુધીનો હતો જ્યારે જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણ રાજ્ય હતું.નેશનલ કોન્ફરન્સે તાજેતરની ચૂંટણીમાં કુલ 90માંથી 42 બેઠકો જીતી હતી જ્યારે ગઠબંધન સાથી પક્ષ કોંગ્રેસને છ બેઠકો મળી હતી.
ચૂંટણી પહેલા કોંગ્રેસે અબ્દુલ્લાની પાર્ટી સાથે જોડાણ કર્યું હતું. જોકે કોંગ્રેસ સરકારમાં જોડાઈ નથી અને બહારથી ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે કોંગ્રેસને એક પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, જેને તેને નકારી કાઢી હતી અને બહારથી સમર્થન આપવાનું પસંદ કર્યું હતું.