કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ગુરુવારે કહ્યું હતું કે આર્થિક અને મિલિટરી સહયોગ પર આધારિત અમેરિકા સાથેના પરંપરાગત સંબંધોનો યુગ ‘પૂર્ણ’ થયો છે. તેમણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ પર નવી મંત્રણા કરવાનું સૂચન કર્યું હતું. કેનેડા-યુએસ સંબંધો અંગેની કેબિનેટ કમિટી સાથે તાત્કાલિક બેઠક પછી કાર્નીએ કહ્યું હતું કે, “આપણા અર્થતંત્રો વચ્ચે ગાઢ સહકાર અને કડક સુરક્ષા તેમ જ મિલિટરી સહયોગ પર આધારિત અમેરિકા સાથેના આપણા જૂના સંબંધો સમાપ્ત થયા છે. અમેરિકા હવે આગળ શું કરશે તે સ્પષ્ટ નથી. પરંતુ સ્પષ્ટ વાત એ છે કે કેનેડિયન તરીકે આપણી પાસે સરકાર છે, આપણી પાસે સત્તા છે. આપણે આપણા પોતાના ઘરમાં માલિક છીએ.” કાર્નીએ 14 માર્ચના રોજ કેનેડાના સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી તેમણે ટ્રમ્પ સાથે કોઈ ચર્ચા કરી નથી. લિબરલ પાર્ટીના નેતાએ કહ્યું કે તેઓ “ટૂંક સમયમાં” અમેરિકન પ્રેસિડેન્ટ સાથે ચર્ચા કરવાની અપેક્ષા રાખે છે પરંતુ તેમણે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થવાનો સંકેત આપ્યો નથી.

LEAVE A REPLY