ઓહાયોમાં મૌમીની ભૂતપૂર્વ રહેવાસી 42 વર્ષીય ભારતીય મૂળની ડોક્ટર અંકિતા સિંહને હેલ્થ કેર ફ્રોડના કેસમાં તાજેતરમાં જેલ સજા ફટકારવામાં આવી હતી. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેક ઝૌહરીએ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝ મેડિકેર પ્રોગ્રામમાં છેતરપિંડી કરનાર અંકિતા સિંહને 26 મહિનાની જેલની સજા જાહેર કરી હતી. કોર્ટે તેને આ ઉપરાંત 4,470,931.02 ડોલરનું વળતર ચૂકવવા, બે વર્ષ નિરીક્ષણ હેઠળ રહેવાનો અને 600 ડોલરની સ્પેશિયલ એસેસમેન્ટ ફી ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ, જ્યૂરીએ અંકિતા સિંહને DME સ્કીમના ભાગરૂપે, દર્દીઓએ ક્યારેય માગણી ન કરી હોય અને જરૂર ન હોય તેવા ઓર્થોટિક બ્રેસીઝ માટે ખોટા ઓર્ડરને મંજૂર કરવા બદલ હેલ્થ કેર ફ્રોડના છ ગુનાઓ માટે દોષિત ઠેરવી હતી. એટર્ની ઓફિસના જણાવ્યા મુજબ, અંકિતા સિંહે દર્દીઓ સાથે કોઇ સંબંધ ન હોવા છતાં અંદાજે 3,000 મેડિકેર લાભાર્થીઓ માટે ઓર્થોટિક બ્રેસીઝ માટે 11,000થી વધુ પ્રીસ્ક્રિપ્શન્સને મંજૂરી આપી હતી. તેમણે આ દર્દીઓની ક્યારેય તપાસ કર્યા વગર અનેક વખત મલ્ટિપલ બ્રેસીઝ મંગાવ્યા હતા.
અંકિતા સિંહના આવા ખોટા ઓર્ડર્સના કારણે મેડિકેરને આઠ મિલિયન ડોલરથી વધુનું બિલ આપવામાં આવ્યું હતું. અંકિતા સિંહ દ્વારા ખોટા મંજૂર કરાયેલા પ્રીસ્ક્રિપ્શન્સ માટે મેડિકેર દ્વારા અંદાજે 4.47 મિલિયન ડોલર ચૂકવામાં આવ્યા હતા.

 

LEAVE A REPLY