અમેરિકાના ઓહાયો રાજ્યના ગવર્નર માઈક ડેવિને ઓક્ટોબર મહિનાને ‘હિન્દુ હેરિટેજ મંથ’ જાહેર કરતાં એક બિલ પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતાં. રાજ્યના ભૂતપૂર્વ સેનેટર નીરજ અંતાણી અને રાજ્યના હિન્દુ સમુદાયના અગ્રણીની હાજરીમાં ગવર્નરે આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ બિલ હવે સત્તાવાર રીતે કાયદો બની ગયું છે અને 90 દિવસમાં અમલમાં આવશે. ઓક્ટોબર 2025થી ઓહાયોનો પ્રથમ સત્તાવાર હિન્દુ હેરિટેજ મહિનો હશે.
આ બિલને નીરજ અંતાણી સ્પોન્સર કર્યું હતું. નીરજ અંતાણીએ જણાવ્યું હતું કે ઓહાયોમાં ઓક્ટોબરને હિન્દુ હેરિટેજ મહિના તરીકે જાહેર કરવા માટેના આ બિલ પર હસ્તાક્ષર કરવા બદલ હું ગવર્નર ડેવિનનો ખૂબ આભારી છું. ગવર્નર ડેવિનનો રાજ્યના હિન્દુ સમુદાય સાથે લાંબા સમયથી ગાઢ સંબંધ છે અને હું તેમના નેતૃત્વ માટે આભારી છું. બે વર્ષના લાંબા કાર્ય પછી, હું ખૂબ જ ખુશ છું કે હું મારા સમુદાય માટે આ પ્રાપ્ત કરી શક્યો.