અમદાવાદના બોપલ વિસ્તારમાં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એનઆરઆઈ દીપકભાઈ પટેલની માથામાં પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. 2016થી લોસ એન્જલસમાં રહેતા ગ્રીન કાર્ડ ધારક દીપક પટેલ તેની પત્ની સાથે ભારત આવ્યાં હતાં.
અમદાવાદના ગોધાવી-મનીપુર રોડ પર આવેલા ગરોડીયા ગામ નજીક હત્યા કરાઈ હતી. આરોપી મૃતકનો જ ધંધાકીય ભાગીદાર હોવાનું માનવામાં આવે છે અને નાણાકીય મામલે બબાલ થઈ હતી. મૃતક દીપકભાઈ અને શીલજનો રહેવાસી આરોપી ઈન્દ્રજીતસિંહ વાઘેલા ઉર્ફે મુન્ના બંને જમીન દલાલીના ધંધામાં કથિત રીતે ભાગીદાર હતા. નફાની વહેંચણીને મુદ્દે બંને વચ્ચે કથિત રકઝક થઈ હતી. મામલો ઉગ્ર બનતા આરોપીએ દીપકભાઈને પાઈપ વડે માર મારીને હત્યા કરી હતી, આ પછી દીપકભાઈના મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકીને નાસી ગયો હતો.
શહેરના સરખેજ ગામમાં રહેતા 56 વર્ષીય એનઆરઆઇ અલ્પાબેન પટેલે દાખલ કરેલી ફરિયાદ મુજબ તે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે તેમના પતિ દીપકભાઇ પટેલ સાથે રહે છે. અલ્પાબેન અને દીપકભાઇ અમેરિકાથી બે મહિના પહેલા નવરાત્રિ અને દિવાળીના તહેવાર માટે અમદાવાદ આવ્યા હતા અને સરખેજમાં મુખીની શેરીમાં આવેલા એક બંગલામાં રહેતા હતા.