2001માં મધુર ભંડારકર દિગ્દર્શિત અને તબ્બુ અભિનિત ‘ચાંદની બાર’ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં બાર ડાન્સરના જીવનની વાત હતી. તબુનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. હવે આ ફિલ્મની સીક્વલ બની રહી છે. ફિલ્મમેકર સુદિપ્તો સેન દ્વારા આ ફિલ્મના અધિકારો મેળવી લેવાયા છે. ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મ માટે જાણીતા આ ડિરેક્ટર ફિલ્મની સીક્વલ માટે ઘણાં ઉત્સુક છે, તેઓ ટૂંક સમયમાં આ ફિલ્મની સીક્વલની જાહેરાત થઈ શકે છે.
એક ઇન્ટરવ્યૂમાં સુદિપ્તો સેને જાહેર કર્યું હતું કે આ ફિલ્મ અંગે ચર્ચાઓ થઇ રહી છે. તે ફિલ્મના સહ નિર્માતા આર. મોહન સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. કેટલીક કાયદેસરની કાર્યવાહી કરવાની હજુ બાકી છે એટલે તેઓ થોડાં સમય પછી જ આ અંગે કોઈ માહિતી આપી શકશે. સુદિપ્તોને ‘ચાંદની બાર 2’ બનાવવામાં રસ છે, સાથે સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળે છે કે આ સોદો અંદાજે રૂ. 1.75 કરોડમાં થયો છે.
અગાઉ એવી પણ ચર્ચા હતી કે ‘ચાંદની બાર’માં પટકથા-સંવાદ લેખક મોહન આઝાદ આ ફિલ્મની સીક્વલ બનાવશે. પરંતુ હવે તેમાં સુદિપ્તો સેન પણ જોડાયા છે. ત્યારે મહત્વનો પ્રશ્ન એ છે કે તેઓ પોતે આ ફિલ્મ ડિરેક્ટ કરશે કે મધુર ભંડારકર જ પોતાની જ ફિલ્મની સીક્વલનું દિગ્દર્શન કરશે, ખાસ તો તબ્બુ આ ફિલ્મમાં ફરી કામ કરશે કે નહીં તે અંગે પણ ઘણાં દર્શકોમાં ઉત્સુકતા છે.
મધુર ભંડારકરની ‘ચાંદનીબાર’માં મુંબઈની કડવી વાસ્તવિકતા દર્શાવાઈ હતી, જેમાં પ્રોસ્ટિટ્યુશન, ડાન્સ બાર અને ગેંગવૉરની વાત હતી. આ ફિલ્મમાં તબ્બુ મુખ્ય રોલમાં હતી, તેની સાથે અતુલ કુલકર્ણી, અનન્યા ખરે, રાજપાલ યાદવ, મિનાક્ષી સહાની, વિશાલ ઠક્કર પણ મહત્વના રોલમાં હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. આ ફિલ્મને ચાર નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ‘ચાંદનીબાર’નું નિર્માણ રૂ. 1.5 કરોડમાં થયું હતું અને બિઝનેસ રૂ. 6.6 કરોડનો કર્યો હતો.
