
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલી ટેરિફથી આખી દુનિયાના દેશો અને બિઝનેસીસ પરેશાન છે ત્યારે યુકેના ચાન્સેલર રેચલ રીવ્સ અને ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 13મા યુકે-ભારત ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલોગ (EFD)માં ભાગ લઇ સંરક્ષણ, નાણાકીય સેવાઓ, શિક્ષણ અને વિકાસ સહિત વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં સહયોગ માટે સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા હતા અને વૃદ્ધિ, આર્થિક સ્થિતિસ્થાપકતા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય મુદ્દાઓ પર સરકારી સહયોગને મજબૂત બનાવ્યો હતો.
બ્રિટિશ અર્થતંત્રને વેગ આપવા અને કામ કરતા લોકો માટે આર્થિક વિકાસ અને સુરક્ષા પ્રદાન કરવા માટે £400 મિલિયનના વેપાર અને રોકાણના સોદા થયા હતા. બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને મંત્રી સીતારમણ આર્થિક વિકાસને આગળ વધારવા માટે યુકે અને ભારતના મુખ્ય બિઝનેસ લીડર્સને એકસાથે લાવ્યા હતા.
બંને દેશો આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને મુક્ત વેપાર કરાર (FTA) અને દ્વિપક્ષીય રોકાણ સંધિ સુરક્ષિત કરવા માંગે છે ત્યારે ચાન્સેલરે 13મા યુકે-ભારત ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ ડાયલોગ (EFD)માં ભાગ લીધો હતો.
ચાન્સેલર ઓફ ધ એક્સચેકર, રેચલ રીવ્સે જણાવ્યું હતું કે “બદલાતી દુનિયામાં, આર્થિક વિકાસ શરૂ કરવા માટે આપણે વધુ અને ઝડપી બનવું જરૂરી છે. અમે બ્રિટિશ બિઝનેસીસને સાંભળ્યા છે, તેથી જ અમે ભારત સહિત વિશ્વભરના દેશો સાથે વેપાર સોદાઓ પર વાટાઘાટો કરી રહ્યા છીએ. ભારત સાથેના અમારા સંબંધો લાંબા સમયથી ચાલતા અને વ્યાપક છે અને તેને વધુ વિકસાવવા માટે આ સંવાદ દરમિયાન થયેલી પ્રગતિથી હું ખુશ છું.”
તા. 4ના રોજ લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે, ચાન્સેલર અને તેમના ભારતીય સમકક્ષ શ્રીમતી સીતારમણે વિકાસ, નાણાકીય સેવાઓ અને સંબંધોને સુધારવા અને યુકે ઔદ્યોગિક વ્યૂહરચના, ટેક્સ, નાણાકીય અને ગેરકાયદેસર નાણાકીય બાબતો પર નીતિગત સહયોગને વધુ ગાઢ બનાવવા માટેની યોજનાઓ નક્કી કરી હતી.
રેનોલ્ડ્સ અને સીતારમણ સાથે બિઝનેસ લીડર્સની રાઉન્ડ ટેબલ બેઠક
બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી જોનાથન રેનોલ્ડ્સ અને ફાઇનાન્સ મિનિસ્ટર સીતારમણે એક બિઝનેસ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ટાઇડ, HSBC, અવિવા, વોડાફોન, WNS અને મિઝુહો ઇન્ટરનેશનલ સહિત નાણાકીય અને પ્રોફેશનલ બિઝનેસ સેવા ક્ષેત્રોના મુખ્ય લીડર્સ એકઠા થયા હતા.
ઉપસ્થિતો સૌએ યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધોની મજબૂતાઈ તેમજ મહત્વાકાંક્ષી વેપાર સોદા સહિત ગાઢ સહયોગની તકને માન્યતા આપી હતી. સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે પણ ચર્ચા કરાઇ હતી.
જોનાથન રેનોલ્ડ્સે કહ્યું હતું કે “મને અને મિનિસ્ટર સીતારમણને બિઝનેસ લીડર્સ સાથે આપણા બંને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ કેવી રીતે મજબૂત બનાવી શકાય તેની ચર્ચા કરીને આનંદ થયો. યુકે અને ભારત બંને આર્થિક વૃદ્ધિ અને બિઝનેસીસના વિસ્તરણ માટે જરૂરી વિશ્વાસ અને સ્થિરતા આપવા માટે પ્રતિબદ્ધ છે. તેથી જ અમે એક મહત્વાકાંક્ષી વેપાર સોદા તરફ વાટાઘાટો ચાલુ રાખીએ છીએ જે બ્રિટિશ બિઝનેસીસ માટે ઘરે અને વિદેશમાં તકો ખોલે છે અને અમારી પરિવર્તન યોજનાને સમર્થન આપે છે.”
ગયા વર્ષે યુકે-ભારત વચ્ચે £40 બિલિયનથી વધુનો વેપાર થયો હતો. યુકેનો ભારત સાથેનો EFDsનો લાંબા સમયથી ચાલતો કાર્યક્રમ સમય જતાં સતત આર્થિક લાભ પહોંચાડવા માટે મહત્વપૂર્ણ મંચ છે. EFD, બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી ઓફ સ્ટેટ જોનાથન રેનોલ્ડ્સની તાજેતરની દિલ્હી મુલાકાતને અનુસરે છે, જેણે યુકે-ભારત વેપાર વાટાઘાટો ફરીથી શરૂ કરી હતી.
WNS ના ગ્રુપ સીઈઓ કેશવ આર. મુરુગેશ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ બિલ વિન્ટર્સ, લંડનના લોર્ડ મેયર, એલ્ડરમેન એલાસ્ટર કિંગ અને LSEG ના CEO ડેવિડ શ્વિમરે બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધો માટેની જરૂરિયાતોને પારખીને ઘટતા પગલાં લેવાં કહ્યું હતું.
સહયોગ દરમિયાન કરાયેલી જાહેરાતો
ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન, પેટીએમ, નાના બિઝનેસીસ માટે સસ્તા ડિજિટલ પેમેન્ટ અને ક્રેડિટની સુલભતાને વેગ આપવા માટે યુકેમાં રોકાણ કરશે.
બાર્કલેઝ બેંક પીએલસી ઇન્ડિયાએ ભારતીય કામગીરીમાં £210 મિલિયનથી વધુનું કેપિટલ ઇન્જેક્શન જાહેર કર્યું હતું.
એચએસબીસી બેંક વર્તમાન 14થી વધારીને ભારતના 34 શહેરોમાં વિસ્તાર કરશે અને ભારત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે જાહેરાત કરી હતી કે તે GIFT સિટી ખાતે મોટા ઓફિસ પરિસરમાં શિફ્ટ થઈ છે.
ભારતીય ટેક બિઝનેસ એમફેસિસ, લંડનમાં ક્વોન્ટમ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરી રહ્યું છે અને નોટિંગહામમાં 100 નોકરીઓને ટેકો આપશે.
બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ પીએલસી (BII) એગ્રીટેક સ્ટાર્ટ અપ, ગ્રો ઇન્ડિગોને ભારતમાં કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે $10 મિલિયનનું રોકાણ કરશે.
ભારતમાં $2.7 બિલિયન માર્કેટ કેપ સાથે સ્થપાયેલી વૈશ્વિક ડિજિટલ-આગેવાની હેઠળની બિઝનેસ ટ્રાન્સફોર્મેશન સર્વિસ કંપની યુકેના AI અને ડિજિટલ ટેલેન્ટ પૂલને વિસ્તૃત કરવા માટે એક અત્યાધુનિક AI ડિઝાઇન હબ ખોલશે.
રિવોલ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી મળ્યા બાદ આ વર્ષના અંતમાં ભારતમાં લોન્ચ કરશે.
યુકેની કંપની વાઈઝ ટ્રિલિયન-પાઉન્ડ આંતરરાષ્ટ્રીય મની મૂવમેન્ટ માર્કેટને પરિવર્તિત કરવા હૈદરાબાદમાં નવી ઓફિસ ખોલશે.
પ્રુડેન્શિયલ બેંગલુરુમાં પ્રથમ વૈશ્વિક સેવા કેન્દ્ર શરૂ કરવાની અને ભારતમાં એક સ્વતંત્ર હેલ્થ ઇન્સ્યોરંશ બિઝનેસ સ્થાપિત કરીને ત્રીજું સંયુક્ત સાહસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ $15 મિલિયનનું રોકાણ કરશે.
ભારતીય કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે લિસ્ટિંગ કરવાની અને લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની શોધખોળ કરવાની મંજૂરી આપવાના માર્ગને યુકે દ્વારા આવકારવામાં આવ્યો હતો.
કોવેન્ટ્રી યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં કેમ્પસ ખોલવા માટે લાઇસન્સ મેળવનારી પ્રથમ ઇંગ્લિશ
યુનિવર્સિટી બનશે. યુકેની યુનિવર્સિટીઓને ભારતના નવા GIFT શહેરમાં કેમ્પસ ખોલવા માટે લાઇસન્સ આપવામાં આવી રહ્યા છે.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સને જાહેરાત કરી કે ટાટા ટ્રસ્ટ્સ સ્કૂલમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિને ટેકો આપશે.
યુકે-ઇન્ડિયા ગ્રીન ગ્રોથ ઇક્વિટી ફંડ (GGEF) ની સફળતા પર ગ્રીન એન્ટરપ્રાઇઝ, ટેક સ્ટાર્ટ-અપ્સ અને ક્લાયમેટ એડોપ્ટેશનમાં સંયુક્ત રોકાણો માટે નવી મહત્વાકાંક્ષાઓ નક્કી કરવામાં આવી છે.
