ભારતની બીજા ક્રમની સૌથી મોટી ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસિસને આશરે રૂ.32,000 કરોડની કથિત જીએસટી ચોરી કરવા બદલ પ્રી-શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. બીએસઇને આપેલી નિયમનકારી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, કર્ણાટક સ્ટેટ જીએસટી ઓથોરિટીએ કંપનીને જુલાઈ, 2017થી માર્ચ, 2022ના સમયગાળા માટે રૂ.32,403 કરોડની જીએસટીની ચૂકવણી માટે પ્રી-શો કોઝ નોટિસ આપી હતી. ઈન્ફોસિસે પોતાની વિદેશી શાખાઓ દ્વારા કંપનીને પૂરાં પાડવામાં આવેલા સપ્લાય બદલ કરેલી ચૂકવણી વિદેશી શાખાઓના ખર્ચ પેટે કરી હતી. આમ, ભારત બહાર આવેલી શાખાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા સપ્લાય પેટે મે. ઈન્ફોસિસ, બેંગાલુરૂ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ રૂ.32,403 કરોડનો આઈજીએસટી ભરવાને પાત્ર છે તેમ ડિમાન્ડ નોટિસમાં જણાવાયું છે.
DGGI અનુસાર, કંપની કરાર હેઠળ ગ્રાહકોને સર્વિસીસ પ્રદાન કરવા માટે ઓવરસીઝ બ્રાન્ચો ખોલે છે. આ બ્રાન્ચો અને કંપનીઓને IGST કાયદા હેઠળ અલગ-અલગ વ્યક્તિઓ તરીકે ગણવામાં આવે છે.એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેણે બાકી તમામ લેણાં ચૂકવી દીધાં છે અને ડીજીજીઆઈ દ્વારા કરાયેલા દાવા મુજબનો જીએસટી કંપનીને લાગુ પડતો નથી. કંપનીનું માનવું છે કે તેણે રાજ્ય અને કેન્દ્રના જીએસટી કાયદાનું સંપૂર્ણ પાલન કર્યું છે. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, તેણે નોટિસનો જવાબ આપી દીધો છે. કંપનીનું માનવું છે કે, નિયમો અનુસાર, આ પ્રકારના ખર્ચ પર જીએસટી લાગુ પડતો નથી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) એ એક એવી સિસ્ટમ છે જેમાં ગુડ્સ અને સર્વિસીસના પ્રાપ્તકર્તાએ સપ્લાયરને બદલે ટેક્સ ચૂકવવો પડે છે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ફોસિસ વિરુદ્ધ હજુ તપાસ ચાલી રહી છે.