બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણને તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલ ફોર્બ્સ 30/50 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હતું. ત્યાં તેણે મહિલા સશક્તિકરણ અને માનસિક આરોગ્ય જેવા વિષય પર વાત કરવા આ મંચનો ઉપયોગ કર્યો હતો. દીપિકાએ સફળતા અને પોતાના મૂલ્ય વિશે વાત કરતાં કહ્યું, “આશા છે કે આપણે એવા દિવસ સુધી પહોંચીએ કે આપણે એવું ન કહેવું પડે કે હું બોલીવૂડની મોસ્ટ પેઇડ એક્ટ્રેસ છું.” આ સમિટમાં તેણે પોતાની પુત્રી દુઆ અંગેની સૌથી મોટી ચિંતા અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના મનમાં સતત તેની દીકરી વિશે ચિંતા હોય છે અને તેની વાત આવે ત્યારે દીપિકાની બધી જ પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે.
માનસિક આરોગ્ય વિશે દીપિકાએ કહ્યું, “માનસિક બીમારીનો ભોગ બની ચુકી છું તો મારું લક્ષ્ય હંમેશા મન શાંત રહે તેવું હોય છે, કારણ કે મનની શાંતિથી વિશેષ કશું જ નથી. એ કરવા કરતાં કહેવું અઘરું છે, તેના માટે મહેનત કરવી પડે છે. તેથી હું હંમેશા પ્રયત્ન કરું છું કે કઈ રીતે હું મારા કામથી વિવિધ મંચ પર હકારાત્મક અસર ઊભી કરી શકું, મારી ફિલ્મથી પણ હકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરું છું. કારણ કે તમે જેવા વ્યક્તિ છો, તેનાથી તમને લોકો યાદ રાખશે.”
આ કાર્યક્રમ દરમિયાન દીપિકા પદૂકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન થયેલું ગોલ્ડન કલરનું શિમરી ઓન્સોમ્બલ પહેર્યું હતું, જેની પફ સ્લીવ્ઝ અને બૉ ટાઇવાળી નેકલાઇન હતી. આ ડ્રેસ તેણે સ્ટેલેટો બૂટ્સ પહેર્યા હતા. જ્યારે હેરસ્ટાઇલમાં તેણે ઊંચું બન કર્યું હતું. જો મેકઅપની વાત કરીએ તો તેણે સોફ્ટ પિંક લિપ્સ, બ્લશ, સાથે સ્મોકી બ્રાઉન આઇ મેક અપ કર્યો હતો. તેની સાથે એક્સેસરીઝમાં તણે સિલ્વર ઇઅરકફ્ઝ પહેર્યાં હતાં. દીપિકાનો આ લૂક ઘણો વાયરલ થયો હતો.
