અમેરિકામાં નવેમ્બરમાં પ્રેસિડન્ટની ચૂંટણી પહેલા પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પોતે ધબડકો કર્યો હોવા છતાં પ્રેસિડન્ટ જો બાઇડને રેસમાંથી હટી જવાનો સ્પષ્ટ ઇનકાર કરતાં જણાવ્યું હતું કે માત્ર ભગવાન જ તેમને પ્રેસિડન્ટની રેસમાંથી બહાર ફેંકી શકે છે. કોઈ પણ વ્યક્તિ પ્રમુખ બનવા માટે તેમનાથી વધુ લાયક નથી.
ડિબેટમાં પોતે કરેલા કંગાળ દેખાવને બાઇડને એક ખરાબ એપિસોડ ગણાવીને જણાવ્યું હતું તે સમયે તેઓ બીમાર હતાં. તેમણે પોતાના આરોગ્ય અને ફિટનેસ અંગેની ચિંતાને પણ ફગાવી દીધી હતી.
પ્રેસિડન્ટની ચૂંટણી માટે ફરી ઉમેદવાર બનેલા 81 વર્ષીય બાઇડને એક ટીવી ઇન્ટરવ્યૂમાં શુક્રવારે આ ટીપ્પણીઓ કરી હતી. ડેમોક્રેટિક પક્ષના નેતાઓ પણ બાઇડને ઉમેદવારી છોડવા દબાણ કરી રહ્યાં છે. આ ડિબેટ પછી બાઇડનના એપ્રુવલ રેટિંગમાં ધરખમ ઘટાડો થયો છે.
ડેમોક્રેટિક પાર્ટીમાં વધતા બળવાને ડામવાના દેખિતા હેતુથી એબીસી ન્યૂઝને આપેલા 22 મિનિટના ઇન્ટરવ્યુમાં બાઇડને જણાવ્યું હતું કે ટ્રમ્પ સાથેની પ્રથમ ડિબેટ દરમિયાન તેઓ બીમાર અને થાકેલાં હતાં અને તે એક ‘બેડ નાઇટ’ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ભગવાન જ તેમને 5 નવેમ્બરની ચૂંટણી જીતવાની રેસમાંથી બહાર કરી શકે છે. જો સર્વશક્તિમાન ભગવાન નીચે આવે અને કહે કે જો, તુ રેસમાંથી બહાર નીકળી જા, તો હું રેસમાંથી બહાર નીકળી જઈશ. પરંતુ સર્વશક્તિમાન નીચે આવતા નથી. તેઓ વિશ્વ ચલાવી રહ્યાં છે અને કોઈ પણ વ્યક્તિ પ્રમુખ બનવા માટે તેમનાથી વધુ વધુ લાયક નથી.
તેઓ વિચારસરણી, યાદશક્તિ અને વર્તનમાં થતા ફેરફારનો મેડિકલ ટેસ્ટ આપીને તેના રિઝલ્ટ જનતા માટે જારી કરી શકે છે કે નહીં તેવા સવાલના જવાબમાં બાઇડને જણાવ્યું હતું કે મારા દરરોજ કોગ્નિટિવ ટેસ્ટ થાય છે. હું જે પણ કરું છું તે બધાના ટેસ્ટ થાય છે. હું માત્ર પ્રચાર જ નથી કરી રહ્યો, હું દુનિયા ચલાવી રહ્યો છું.
બાઇડને દાવો કર્યો હતો કે ડેમોક્રેટિવ પાર્ટીના કોઇ મોટા નેતાઓએ રેસમાં હટી જવાનું દબાણ કર્યું નથી. જોકે તેમણે મેન્ટલ ફિટનેસ અને યાદશક્તિના ટેસ્ટ અંગેના સવાલોના સવાલ આપવાનું ટાળ્યું હતું.
તે માત્ર એક ખરાબ એપિસોડ હતો કે વધુ ગંભીર ચિંતાનો વિષય હતો તેવા સવાલના બાઇડને જણાવ્યું હતું કે તે એક ખરાબ એપિસોડ હતો. કોઈ ગંભીર સ્થિતિનો કોઈ સંકેત નથી. હું થાકી ગયો હતો. મેં તૈયારીની દ્રષ્ટિએ મારી અંતઃસ્ફૂર્ણાને સાંભળી ન હતી અને અને ખરાબ રાત હતી.