યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાનાં ભૂતપૂર્વ એમ્બેસેડર નિક્કી હેલીએ ફરીથી ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબ્બાર્ડની નેશનલ ઇન્ટેલિજન્સના (DNI)ના ડાયરેક્ટર તરીકે કરેલી નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રશિયા, સીરિયા, ઈરાન અને ચીન જેવા દેશો પ્રત્યે ગબ્બાર્ડને સહાનુભૂતિ ધરાવે છે.
હેલીએ ઈરાન પરમાણુ કરારના અંતનો વિરોધ કરવા, સીરિયામાં રાસાયણિક હથિયારોના હુમલામાં બશર અલ-અસદની સંડોવણી અને યુક્રેનમાં ચાલી રહેલા ઘર્ષણ પર તેમના નિવેદનો માટે પણ ગબ્બાર્ડની ટીકા કરી હતી, જ્યાં ગબ્બાર્ડે રશિયાના હુમલા માટે નાટોને જવાબદાર ઠેરવ્યું હતું. હેલીએ આ ટિપ્પણી પોડકાસ્ટ દરમિયાન કરી હતી, જેને તેમણે તેમના X (ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ કરી હતી. હેલીએ જણાવ્યું હતું કે, “તુલસી ગબાર્ડ વિશેના તથ્યો શું છે? તેમણે ઈરાન પરમાણુ કરારનો અંત લાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે ઈરાન પરના પ્રતિબંધોનો વિરોધ કર્યો હતો, તેમણે ઈરાનની મિલિટરીને ત્રાસવાદી જાહેર કરવાનો વિરોધ કર્યો હતો, જેઓ દરરોજ અમેરિકાને મોતમાં ધકેલે છે. આ વ્યક્તિ ભવિષ્યમાં કોંગ્રેસમાં આપણી નેશનલ ઇન્ટેલિજન્સના વડાં બનવાના છે. તુલસીએ કાસિમ સુલેમાની વિરુદ્ધ ટ્રમ્પના સરમુખત્યારશાહી હુમલાની ટીકા કરી હતી. તેને ઈરાનમાં મોતનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.”