ધ રાન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા યુગાન્ડામાં સેનિટરી પેડ્સ માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલ્યા પછી યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટી (URCS) તરફથી લેસ્ટરશાયરના બ્રિટિશ એશિયન ફિલાન્થ્રોપિસ્ટ ડૉ. નિક કોટેચા OBE DLને હેનરી ડ્યુનન્ટ એવોર્ડ એનાયત એનાયત કરાયો છે.
આ પ્લાન્ટ સસ્તા અને પુનઃઉપયોગ કરી શકાય તેવા સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરી દર વર્ષે 50,000 યુગાન્ડન છોકરીઓ અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સુધારો કરે છે. ગયા સમરમાં ડૉ. નિક કોટેચા દ્વારા શરૂ કરાયેલ પ્લાન્ટ વાર્ષિક 100,000 ફરી વાપરી શકાય તેવા સેનિટરી પેડ્સનું ઉત્પાદન કરવાના લક્ષ્ય તરફ કામ કરી રહ્યો છે. આનાથી જે છોકરીઓ પોતાના શૈક્ષણિક વર્ષનો 18% અભ્યાસ ચૂકી ગઇ છે તેમને મદદ થશે. તેઓ સંવેદનશીલ છોકરીઓ અને મહિલાઓને આ પ્લાન્ટ રોજગારીની તકો અને તાલીમ આપે છે.
કમ્પાલામાં યુગાન્ડા રેડક્રોસ સોસાયટીની નેશનલ કાઉન્સિલ મીટિંગ (જનરલ એસેમ્બલી)માં વર્ચ્યુઅલ રીતે બોલતા, ડૉ કોટેચાએ કહ્યું હતું કે “આ એવોર્ડ માટે તમારો ખૂબ આભાર. અમારા ફાઉન્ડેશન વતી તે પ્રાપ્ત કરવો એ એક વિશેષાધિકાર છે. યુગાન્ડા મારું જન્મસ્થળ છે અને બાળપણ ત્યાં વીત્યું છે. ગયા વર્ષે આ પ્લાન્ટ બનાવવા માટે યુગાન્ડા રેડ ક્રોસ સાથે સહયોગ કરવાની તક મળી તે માટે હું ખૂબ જ નમ્ર છું. 1972માં મારા પરિવારે ઈદી અમીનના સમયમાં યુગાન્ડા છોડ્યું ત્યારે રેડ ક્રોસ જ હતું જેણે અમને યુગાન્ડા છોડવા, સ્થાયી થવા અને નવું જીવન શરૂ કરવામાં મદદ કરી હતી. તેથી આ પુરસ્કાર અને યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટીને ટેકો આપવો એ સન્માનની વાત છે.”
ઈન્ટરનેશનલ રેડ ક્રોસના સ્થાપકના નામ પર અપાતો આ પુરસ્કાર વ્યક્તિઓની ઉત્કૃષ્ટ માનવતાવાદી સેવાઓ અને કાર્યોને સ્વીકારે છે અને દર વર્ષે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે.
સમારોહ દરમિયાન, યુગાન્ડા રેડ ક્રોસ સેક્રેટરી જનરલ રોબર્ટ ક્વેસિગાએ પ્રશસ્તિ પત્ર વાંચી કહ્યું કહ્યું હતું કે “ડૉ. કોટેચાને હેનરી ડુનાન્ટ એવોર્ડ અર્પણ કરતાં અમને આનંદ થાય છે. આ પ્રોજેક્ટ અમને જીવનને સુધારવા અને સ્પર્શ કરવામાં મદદ કરી રહ્યો છે. પેડ્સ એ છોકરીઓનું ગૌરવ પાછું મેળવવાનું એક બિંદુ છે જેઓ પેડ્સના અભાવે શાળા છોડી દે છે.”
આ એવોર્ડ ડૉ. કોટેચા વતી ઇકોબેન્ક યુગાન્ડાના મેનેજિંગ ડિરેક્ટર અને બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ એમ્બેસેડર ગ્રેસ મુલિસા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.