
- બાર્ની ચૌધરી દ્વારા
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે “નોકરશાહીમાં કાપ” મૂકવા અને આરોગ્ય સેવાના સંચાલનને “લોકશાહી નિયંત્રણમાં પાછું” લાવવા માટે NHS ઇંગ્લેન્ડને વિખેરી નાખી NHS ઇંગ્લેન્ડને હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગ (DHSC) માં પાછું એકીકૃત કરવાની જાહેરાત કર્યા બાદ વંશીય સમુદાયના અગ્રણીઓએ નવા સંગઠનમાં સરકાર જાતિ સમાનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને યાદ રાખે, સાઉથ એશિયન હેલ્થ કેરને નુકસાન ન પહોંચાડે અને વંશીય સમાનતા પર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરે તે માટે અપીલ કરી છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના કાઉન્સિલના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલ CBE એ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’સરકારે ખાતરી આપવાના છે કે આ નિર્ણય સાઉથ એશિયન હેલ્થ કેરને નુકસાન ન પહોંચાડે. સરકાર NHS ના પુનર્ગઠનમાં જાતિ સમાનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને યાદ રાખે અને વંશીય સમાનતા પર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. સત્ય એ છે કે બ્રિટનમાં આપણી પાસે જાતિગત રીતે વૈવિધ્યસભર વસ્તી છે, અને આરોગ્ય પરિણામો વંશીયતા અનુસાર નોંધપાત્ર રીતે બદલાય છે.’’
૨૦૧૩ થી ૨૦૧૭ સુધી અને રોગચાળા દરમિયાન NHS ઈંગ્લેન્ડ સાથે નજીકથી કામ કરનારા નાગપોલે આરોગ્ય સેવામાં વંશીય લઘુમતી સ્ટાફની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડતા કહ્યું હતું “આપણને એવી આરોગ્ય સેવાની જરૂર છે જે હેલ્થ કેર પ્રત્યેના તેના અભિગમને એવી રીતે મજબૂત બનાવે કે જે વંશીય અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ હોય. આ રાષ્ટ્રના અર્થશાસ્ત્ર અને રાષ્ટ્રના સ્વાસ્થ્ય બંને માટે સારું છે. તેમાં કામ કરતા ઘણા પ્રોફેશનલ્સ સાઉથ એશિયન મૂળના છે જેમની પાસે મૂલ્યવાન કુશળતા છે અને તેમનો ઉપયોગ થવો જોઈએ. કેટલાક લોકો સમાનતા, વિવિધતા અને સમાવેશક ભૂમિકાઓ ધરાવે છે. મને આશા છે કે આ નવા પુનર્ગઠનમાં તેમની કુશળતા અને જ્ઞાન ખોવાઈ જશે નહીં.’’
નાગપોલે કહ્યું હતુ કે ‘’સરકારે તેના નવા ઓપરેશનલ મોડેલ, સ્ટાફિંગ સ્ટ્રક્ચર અને ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશનનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. સૌને સમજવાની જરૂર છે કે નવું માળખું કેવી રીતે કાર્ય કરશે? મંત્રીઓની ભૂમિકા શું હશે? ઓપરેશનલ નેતાઓની જવાબદારીઓ શું હશે? અને આ ભૂમિકાઓ કેવી રીતે અલગ કરવામાં આવશે? NHS નીતિઓ મજબૂત, પુરાવા-આધારિત નિર્ણયો પર આધારિત રહે તે જરૂરી છે. કમનસીબે, અમને હજુ સુધી આમાંના કોઈપણ મહત્વપૂર્ણ પાસાઓ વિશે વિગતો મળી નથી.”
નાગપોલે ઉમેર્યું હતું કે ‘’NHS ઇંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં કામ કરતા શ્યામ કાળા અને વંશીય લઘુમતી કર્મચારીઓના ભવિષ્યના રોજગાર વિશે ચિંતિત છું. નવા NHS અને DHSC ની વિસ્તૃત માળખાકીય સુવિધાઓમાં વિવિધતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે, કારણ કે હેલ્થ કેર બહુ-વંશીય વસ્તીને સેવા આપે છે. મને આશા છે કે તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરી કુશળતા ધરાવતા લોકોનો સમાવેશ કરાશે. ઘણો NHS ઇંગ્લેન્ડ સ્ટાફ વહીવટી ભૂમિકાઓમાં નથી, પરંતુ તેમાં મોટી સંખ્યામાં ક્લિનિશિયન, ડોકટરો, નર્સો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આપણે એ ખાતરી કરવાની જરૂર છે કે અસરકારક સ્ટાફ આરોગ્ય વિભાગમાં સંકલિત માળખામાં સામેલ હોય.’’
તેમણે કહ્યું હતું કે “રાજકારણીઓ પોતે NHS ચલાવવામાં નિષ્ણાત નથી. NHS માટે પૂરા પાડવામાં આવેલા સંસાધનો માટે, તેમણે આપેલા રાજકીય પ્રતિબદ્ધતાઓ માટે જવાબદાર રહેવાની જરૂર છે. રાજકારણીઓએ યોગ્ય વિચારણા વિના દબાણ કર્યું હોય તેવા સમયે NHS ના કેટલાક સૌથી ખરાબ નિર્ણયો થયા છે. નવા આરોગ્ય વિભાગમાં એવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા મંત્રીઓ હોવા જોઈએ જેમની જવાબદારી NHS ને ન્યાયી અને અસરકારક રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરે.”
NHS ઇંગ્લેન્ડ લગભગ 13,500 સ્ટાફ સભ્યોને રોજગારી આપે છે જેમની સંખ્યા હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગ કરતા ત્રણ ગણી વધુ છે.
હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગે જણાવ્યું હતું કે ‘’સરકાર બંને સંસ્થાઓના સંયુક્ત વર્કફોર્સને અડધો કરવા પર વિચાર કરી રહી છે, જેનો અર્થ છે કે લગભગ 9,500 લોકો તેમની નોકરી ગુમાવી શકે છે.’’
લેબર પાર્ટીએ સતત ભાર મૂક્યો છે કે જાતિ સમાનતા પ્રાથમિકતા છે, વંશીય અસમાનતાઓને સંબોધવા અને સાંસ્કૃતિક સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવાના નૈતિક અને આર્થિક બંને આવશ્યકતાઓને માન્યતા આપી છે. નાગપોલે જણાવ્યું હતું કે, ‘’મંત્રીઓ આ પ્રતિબદ્ધતાનું સન્માન કરશે તેવી તેમની આશા છે.’’
અન્ય હેલ્થ કેર નિષ્ણાતોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’NHSનું પુનર્ગઠન જોખમો અને તકો બંને રજૂ કરે છે. નાણાકીય દબાણ અને માળખાકીય ફેરફારો આરોગ્ય અસમાનતાઓને દૂર કરવા બાબતે ધ્યાન હટાવી શકે છે, જે લઘુમતી અને સંવેદનશીલ જૂથો માટે સંભવિત રીતે વધુ ખરાબ થતી ઍક્સેસ અને પરિણામો તરફ દોરી શકે છે.’’
સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓના અધ્યક્ષ અને યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ચીફ મેડિકલ ઓફિસર અને ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપતા પ્રોફેસર કિરણ પટેલે કહ્યું હતું કે “NHS સ્પષ્ટપણે એક મહત્વપૂર્ણ નાણાકીય પડકારનો સામનો કરી રહ્યું છે, જેના પરિણામે મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. તે ફક્ત નીતિઓ જ નહીં, પરંતુ સેવાઓ અને ત્રીજા ક્ષેત્રના સંગઠનો અને સમુદાયો સાથેની ભાગીદારીને પણ અસર કરશે. આપણે કાળજીપૂર્વક જોવું પડશે કે આરોગ્ય અસમાનતાઓ પ્રત્યેના અભિગમને ટેકો આપવામાં આવે અને તે અંગેનું નુકસાન ઓછું થાય. આ પરિવર્તનની અસર તેના પર નિર્ભર રહેશે કે NHS આરોગ્ય અસમાનતાઓને ઘટાડવાને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખે છે કે નહીં, કારણ કે આ પ્રયાસનું નેતૃત્વ કરવામાં NHS ઇંગ્લેન્ડની ભૂમિકા ઓછી થઈ રહી છે.”
હેલ્થ ફાઉન્ડેશનના પોલિસી ડિરેક્ટર હ્યુ એલ્ડરવિકે જણાવ્યું હતું કે ‘’NHSમાં થયેલા ફેરફારોની ટૂંકા ગાળામાં દર્દીઓ પર નોંધપાત્ર અસર થવાની શક્યતા ઓછી છે. NHS માળખાઓનું પુનર્ગઠન કરવાથી કિંમતી સમય અને શક્તિનો બગાડ થઈ શકે છે – જે સમય દર્દી સંભાળ સુધારવામાં NHS ને ટેકો આપવા માટે વધુ સારી રીતે ખર્ચવામાં આવશે.’’
NHS કન્ફેડરેશનના ડાયરેક્ટર ફોર પાર્ટનરશીપ એન્ડ ઇક્વાલીટી જોન સેડલરે જણાવ્યું હતું કે, “એ વાત જાણીતી છે કે સાઉથ એશિયાઈ સમુદાયોના લોકો સામાન્ય રીતે ઍક્સેસ, અનુભવ અને પરિણામોની દ્રષ્ટિએ ગરીબ આરોગ્યસંભાળનો અનુભવ કરે છે. આ અસમાનતાઓને સંબોધવી એ NHS કામગીરી સુધારવા માટે ચાવીરૂપ છે. અમે જાણીએ છીએ કે આ શ્રેષ્ઠ રીતે સમર્થિત, વૈવિધ્યસભર કાર્યબળ દ્વારા પ્રાપ્ત થાય છે જે તેઓ સેવા આપે છે તે વસ્તી સાથે અર્થપૂર્ણ રીતે સંકળાયેલા છે. આ પરિવર્તનના સમયગાળા દરમિયાન, અમારા સભ્યો અમારા સમર્થનથી તેના સ્ટાફ અને દર્દીઓ માટે અસમાનતાનો સામનો કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.”
NHS રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર હબીબ નકવીએ જણાવ્યું હતું કે NHS એક અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યું છે, જેમાં અસ્વીકાર્ય રીતે લાંબા વેઇટીંગ લીસ્ટ, સ્ટાફ અને દર્દીઓ પર કોવિડ-19 રોગચાળાની ચાલુ અસર અને આરોગ્ય સંભાળ સુધારણા માટેની સક્રિય યોજનાઓનો સમાવેશ થાય છે. આ પડકારો ઘણીવાર શ્યામ, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયો, તેમજ સૌથી વધુ સંવેદનશીલ લોકો દ્વારા વધુ તીવ્રપણે અનુભવાય છે, જેઓ આરોગ્યની પહોંચ, પરિણામો અને અનુભવો કરતાં વધુ ખરાબ અનુભવે છે.’’
નકવીએ ભાર મૂક્યો કે આરોગ્યસંભાળ પ્રણાલીની ફરજ છે કે તેઓ વિવિધ સમુદાયોને અસર કરતી આ અસમાનતાઓને સંબોધિત કરે. તેમણે અસમાનતાને દૂર કરવામાં સરકાર અને NHS બંનેને ટેકો આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી ખાતરી કરી હતી કે બધા દર્દીઓ સમાન આરોગ્યસંભાળ મેળવી શકે છે.
હેલ્થ એન્ડ સોસ્યલ કેર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે NHS ઇંગ્લેન્ડને વિભાગમાં પાછા લાવી રહ્યા છીએ જેથી ડુપ્લિકેશનને દૂર કરી શકાય અને સ્થાનિક નેતાઓ અને સિસ્ટમોને વધુ શક્તિ આપી શકાય જેથી તેઓ તેમના સમુદાયો માટે વધુ સારી રીતે ડિલિવરી કરી શકે. વધુ કાર્યક્ષમ તંત્રથી દર વર્ષે લાખો પાઉન્ડની બચત થશે જે ફ્રન્ટલાઈન સેવાઓમાં ફરીથી રોકાણ કરવામાં આવશે, જેમાં વેઇટીંગ લીસ્ટ કાપવા અને આરોગ્ય અસમાનતાઓનો સામનો કરવાનો સમાવેશ થાય છે. સાત મહિના વહેલી 2 મિલિયન વધારાની એપોઇન્ટમેન્ટ આપી છે અને જુલાઈથી યાદીમાં 193,000 ઘટાડો કર્યો છે.”
(પ્રમોદ થોમસના વધારાના અહેવાલ સાથે)
