(ANI Photo/Jitender Gupta)

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ અપેક્ષાઓ વધારીને ખોટો ભ્રમ ઊભો કરે છે અને આ મુદ્દે મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ભારતમાં મોટાભાગના એક્ઝિટ પોલ્સના તારણો ખોટા પડે છે ત્યારે મુખ્ય ચૂંટણીકમિશનરે તેની ટીકા કરી હતી.

મતગણતરીના દિવસે ન્યૂઝ ચેનલોમાં આવતા પ્રારંભિક ટ્રેન્ડને બકવાસ ગણાવીને મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ન્યૂઝ ચેનલો પર સવારે 8.05 વાગ્યાથી પ્રારંભિક ટ્રેન્ડ દર્શાવવામાં આવે છે, પરંતુ ચૂંટણી પંચ સવારે 9.30 વાગ્યે તેની વેબસાઇટ પર ટ્રેન્ડ કે રિઝલ્ટ મૂકવાનું ચાલુ કરે છે. આ પછી દર બે કલાકે તેને અપડેટ કરવામાં આવે છે.

મતગણતરી મથકો પર મીડિયા સંસ્થાના સંવાદદાતા વહેલા પરિણામ મેળવી શકે છે, પરંતુ ચૂંટણી સત્તાવાળાએ પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત કરવાના હોય છે, ચૂંટણી એજન્ટોને તેના પર સહી લેવાની હોય છે. તેથી સત્તાવાળા વેબસાઇટ પર રિઝલ્ટ આપતા 30 મિનિટનો સમય લાગી શકે છે. તેથી વાસ્તવિક રિઝલ્ટ આવવાનું શરૂ થાય ત્યારે વિસંગતતા ઊભી થાય છે. આવી વિસંગતતાથી ઘણીવાર ગંભીર મુદ્દા ઊભા થાય છે. અપેક્ષા અને સિદ્ધિઓ વચ્ચેનો તફાવત માત્ર નિરાશા હોય છે.

એક્ઝિટ પોલ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે એક્ઝિટ પોલ્સનું નિયમન કરતાં નથી, પરંતુ આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત છે. એક્ઝિટ પોલ્સ માટેની સેમ્પલ સાઇઝ કઈ છે, સરવે કયા કરવામાં આવ્યો છે, તારણો કેવી રીતે કાઢવામાં આવ્યા છે, મારી જવાબદારી શું છે, જો વાસ્તવિક રિઝલ્ટ મુજબ તારણ ન આવે તો ડિસ્ક્લોઝર આ તમામ બાબતો અંગે વિચારણા કરવાની જરૂરી છે.

LEAVE A REPLY