(ANI Photo)

બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાંચમા અને અંતિમ દિવસે યજમાન ટીમને આઠ વિકેટથી હરાવીને 36 વર્ષ પછી ભારતીય ધરતી પર તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી. આની સાથે ન્યૂઝીલેન્ડને ભારત સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

અંતિમ દિવસે જીતવા માટે 107 રનની જરૂર હતી. ન્યુઝીલેન્ડના વિલ યંગ (48 અણનમ) અને રચિન રવિન્દ્ર (અણનમ 39)એ ત્રીજી વિકેટ માટે 75 રન જોડ્યા હતા અને 27.4 ઓવરમાં ટીમને જીત અપાવી હતી.

ભારતીય ધરતી પર કિવિ ટીમની છેલ્લી જીત 1988માં મુંબઈના વાનખેડે ખાતે થઈ હતી જ્યારે તેઓએ બીજી ટેસ્ટમાં ભારતને 136 રનથી હરાવ્યું હતું. ભારતે તે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતી હતી.

આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ હતી. બીજી ઇનિંગમાં ભારે લડાયક દેખાવ કરીને 462 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અગાઉ ન્યૂઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં રચિન રવીન્દ્રની સદી અને ટિમ સાઉથીના આકર્ષક 65 રનની મદદથી 402 રન ફટકારીને ભારત સામે 356 રનની જંગી સરસાઈ હાંસલ કરી હતી. તેનાથી ન્યૂઝીલેન્ડને ચોથા દાવમાં ટેસ્ટમાં વિજય માટે માત્ર 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ચોથા દિવસની રમત નબળા પ્રકાશ અને ભારે વરસાદને કારણે સમય પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે માત્ર 4 બોલ રમ્યા હતા. જેમાં ટીમ પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 107 રન બનાવવાના હતાં.

ત્રીજા દિવસની અંત સુધીમાં ભારતે 3 વિકેટના નુકસાને 231 રન બનાવ્યા હતા. ચોથા દિવસે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલા બે સેશનમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે 177 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. સરફરાઝે 150 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંત 99 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયા નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી હતી. ભારતીય ટીમે એક સમયે 3 વિકેટ ગુમાવીને 408 રન બનાવી લીધા હતા. પરંતુ સરફરાઝ ખાનની વિકેટ પડ્યા બાદ ખેલાડીઓ ફટાફટ આઉટ થવા લાગ્યાં હતા. એક સમયે ભારતે છેલ્લી 7 વિકેટ માત્ર 54 રનમાં ગુમાવી દીધી હતી. ચોથા દિવસના છેલ્લા સેશનમાં મેટ હેનરી અને વિલિયમ ઓરર્કની ઘાતક બોલિંગ સામે કેએલ રાહુલ માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ માત્ર 5 રન બનાવી આઉટ થઇ ગયો હતો આ રીતે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 462 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી.

 

LEAVE A REPLY