માર્ક ચેપમેને આક્રમક સદી ફટકાર્યા પછી નાથન સ્મિથની ચાર વિકેટની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રવાસી પાકિસ્તાનને 73 રને હરાવીને ત્રણ વન-ડેની સિરિઝમાં 1-0ની સરસાઈ હાંસલ કરી હતી.
ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા નિર્ધારિત ઓવરમાં નવ વિકેટે 344 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. તેના જવાબમાં પાકિસ્તાન 271 રનમાં જ ખખડ્યું હતું અને તેનો 73 રને પરાજય થયો હતો. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને સલમાન અઘાની અડધી સદીની ઈનિંગ્સ પણ ટીમને જીતાડી શકી નહતી. પાકિસ્તાનના બોલર્સે મેચમાં 43 એક્સ્ટ્રા રન આપ્યા હતા જેમાં 21 વાઈડનો સમાવેશ થયો હતો.
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા માર્ક ચેપમેને બાજી સંભાળી હતી અને 111 બોલમાં 13 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી આક્રમક 132 રન ઝૂડ્યા હતા. ડેરિલ મિચેલે 76 રન ફટકારીને ચેપમેનનો સાથ આપ્યો હતો અને ચોથી વિકેટ માટે 199 રનની પાર્ટનરશિપ કરી હતી. મોહમ્મદ અબ્બાસે પણ 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને તેટલા જ છગ્ગા સાથે 52 રનનું યોગદાન આપીને ટીમને મબજૂત સ્થિતિમાં લાવી દીધી હતી. પાકિસ્તાન તરફથી ઈરફાન ખાને ત્રણ વિકેટ જ્યારે અકિફ તખા હારિસે બે-બે વિકેટ મેળવી હતી. અલી અને નસીમે એક-એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાને કિવિઝના 345 રનના ટારગેટનો પીછો કરતા મક્કમ પ્રારંભ કર્યો હતો અને ઓપનર અબ્દુલ્લાહ શફિકે 36 રન અને ઉસ્માન ખાને 39 રન કર્યા હતા. બાબર આઝમે 83 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 78 રન ફટકાર્યા હતા. સુકાની રિઝવાને 30 રન અને સલમાન અઘાએ 58 રન નોંધાવ્યા હતા. પાકિસ્તાને એક તબક્કે ચાર વિકેટે 249 રન સાથે મેચમાં પકડ જાળવી રાખી હતી પરંતુ ત્યારબાદ બેટિંગમાં ધબડકો થતા સમગ્ર ટીમ 44.1 ઓવરમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, પાકિસ્તાને છેલ્લી સાત વિકેટ 22 રનમાં જ ગુમાવી હતી. નાથન સ્મિથે 8.1 ઓવરમાં 60 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. ડફીએ બે, ઓ’ રૌર્ક, બ્રેસવેલ અને અબ્બાસે એક-એક વિકેટ ઝડપી હતી.
