(Photo by Arun SANKAR / AFP) (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

ભારત સરકાર પર હત્યાનું ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવીને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરેલા કેસની સુનાવણી કરતાં કોર્ટે ભારત સરકાર, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ અને ગુપ્તચર સંસ્થા R&AWના ભૂતપૂર્વ વડા સામન્ત ગોયલ, R&AWના એજન્ટ વિક્રમ યાદવ અને બિઝનેસમેન નિખિલ ગુપ્તાના નામ સાથે સમન્સ પાઠ્યું હતું અને 21 દિવસમાં જવાબ આપવાની તાકીદ કરી હતી.

આવા સમન્સને સંપૂર્ણપણે ગેરવાજબી ગણાવી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુદ્દાઓ પ્રથમ વખત અમારા ધ્યાન પર લાવવામાં આવ્યા હતાં, ત્યારે અમે પગલાં લીધા હતાં. આ બાબતે તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિ બનાવામાં આવેલી છે. આ કેસથી અમારા મંતવ્યો બદલતા નથી. હું તમારું ધ્યાન આ કેસ દાખલ કરનાર વ્યક્તિ તરફ વાળવા માગું છું. પન્નુનની પૂર્વવૃત્તિ જાણીતી છે અને તે એક ગેરકાનૂની સંગઠનનો સભ્ય છે. પન્નુન કટ્ટરપંથી શિખ્સ ફોર જસ્ટિસનો વડા છે અને ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ઉશ્કેરણીજનક ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતો છે. નવી દિલ્હીએ તેને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો.

નવેમ્બરમાં યુકેના અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે યુ.એસ. અને કેનેડામાં બેવડી નાગરિકતા ધરાવતા પન્નુની હત્યાના કાવતરાને યુએસએ નિષ્ફળ બનાવ્યું હતું. તેના પ્રથમ પ્રતિભાવમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે તે “ચિંતાનો વિષય” છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.

આ વર્ષે મે મહિનામાં વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત આ બાબતની તપાસ કરી રહ્યું છે અને તેનાથી ભારત-યુએસ સંબંધોનોને અસર થશે નહીં.

LEAVE A REPLY