ગુજરાત સરકારે “જંત્રી” દરોમાં સુધારો કરવાની દરખાસ્ત કર્યાના દિવસો પછી રિયલ-એસ્ટેટ ડેવલપર્સે એસોસિયેશનને જણાવ્યું હતું કે નવા દરોથી ગુજરાતમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ્સના ભાવમાં 30-40 ટકાનો વધારો કરશે. પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે ગુજરાત સરકારે જંત્રીના દરમાં સરેરાશ 200-2,000 ટકા જેટલો વધારો કર્યો હતો. આ વધારો વૈજ્ઞાનિક કે તર્કસંગત લાગતો નથી અને આવો અચાનક વધારો ચાલુ પ્રોજેક્ટ પર પ્રતિકૂળ અસર કરશે
જંત્રીના દરમાં સૂચિત વધારા સામે કન્ફડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) વિરોધ કર્યો છે. ક્રેડાઈએ ચીમકી આપી છે કે જો સરકાર સૂચિત વધારા પ્રત્યે ધ્યાન નહીં આપે અને આ સમસ્યાનું સમાધાન નહીં લાવે તો તે કોર્ટમાં જશે.
ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સરકારે 2023માં સમગ્ર રાજ્યમાં જંત્રીના દરો ડબલ કરી દીધા હતાં અને બાદમાં નક્કી કરાયું હતુ કે આ દરોને વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારને જંત્રીના નવા દરો નક્કી કરવા માટે 18 મહિનાનો સમય લાગ્યો હતો અને વાંધા-સૂચનો રજૂ કરવા માટે સરકારે ફક્ત એક જ મહિનાનો સમય આપ્યો છે. લોકો આટલા ઓછા સમયમાં વાંધા-સૂચનો રજૂ કરી શકશે નહીં.
ગુજરાતમાં જંત્રીના દરો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા રેડી રેકનર દરો છે અને રાજ્યમાં ખરીદેલી કે વેચાયેલી કોઈપણ મિલકતને લાગુ પડે છે.ગુજરાત સરકારે 20 નવેમ્બરના રોજ જંત્રી (જમીન અથવા મિલકત માટે સરકાર દ્વારા નિર્ધારિત દર)માં સૂચિત વધારો જાહેર કર્યો હતો, જેમાં વાંધા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જંત્રીમાં છેલ્લે એપ્રિલ 2023માં સુધારો કરવામાં આવ્યો હતો.