નેટ ઇમિગ્રેશનનો આંકડો અગાઉના અંદાજીત 740,000થી વધીને 906,000 થયો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે ઇમિગ્રેશન પર સખત વલણ અપનાવવાનું વચન આપી પોઇન્ટ-આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા માટે એક યોજના બનાવવાની અને બ્રિટિશ કામદારોને તાલીમ આપવા માટે બિઝનેસીસ પર જવાબદારી મૂકવાની જાહેરાત કરી હતી.
સરકાર અગાઉના વર્ષે 166,000 લોકોના અગમનને રોકવામાં નિષ્ફળ ગઇ હતી. બીજી તરફ કામ અથવા અભ્યાસ માટે યુકેમાં સ્થળાંતર કરનારા ટોચના પાંચ બિન-ઈયુ રાષ્ટ્રના લોકોમાં ભારતીયો અને પાકિસ્તાનીઓનો સમાવેશ થાય છે.
અગાઉની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર પર આકરો પ્રહાર કરતા સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે ‘’આ હદની નિષ્ફળતા માત્ર દુર્ભાગ્ય નથી તે નિષ્ફળતાનો એક અલગ ક્રમ છે. બ્રેક્ઝિટનો ઉપયોગ તે હેતુ માટે બ્રિટનની સરહદોને ખુલ્લી કરી ‘એક રાષ્ટ્ર પ્રયોગ’માં ફેરવવા માટે કરવામાં આવ્યો હતો અને લેબર સરકારને રેકોર્ડ સંખ્યામાં ઇમિગ્રેશનના “અતુલ્ય વારસાની નિષ્ફળતા” આપી હતી. વારંવાર કન્ઝર્વેટિવ પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ સંખ્યા ઘટાડશે. પણ ફરીથી તેઓ નિષ્ફળ ગયા છે. આ સ્કેલ પર નિષ્ફળતા એ માત્ર દુર્ભાગ્ય નથી. આ નિષ્ફળતાનો એક અલગ ક્રમ છે જે અકસ્માતથી નહીં પણ ડિઝાઇન દ્વારા થયું છે. હું ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા માંગુ છું.”
સ્ટાર્મરે ઇમિગ્રેશનની સંખ્યા પર “મનસ્વી કેપ” સેટ કરવાનો ઇનકાર કરતાં કહ્યુ હતું કે “અમે બદમાશ એમ્પલોયર્સ પર કામ ચલાવીશું અને વિદેશથી થતી ભરતી પર નિર્ભર લોકોના વિઝાને પણ પ્રતિબંધિત કરીશું. અમને એવા ક્ષેત્રોના સ્પષ્ટ પુરાવા મળે છે જે ઇમિગ્રેશન પર વધુ પડતા નિર્ભર છે, અમે પોઈન્ટ્સ આધારિત સિસ્ટમમાં સુધારો કરીશું અને ખાતરી કરીશું કે સંબંધિત વિઝા માર્ગો માટેની અરજીઓ, પછી ભલે તે કુશળ કામદારોનો માર્ગ હોય કે અછત ધરાવતા બિઝનેસીસની યાદી હોય. અમે આપણા દેશમાં લોકોને તાલીમ આપવા પર નવી અપેક્ષાઓ ધરાવીએ છીએ.’’
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) એ તેનો જૂન 2023 સુધીનો તાજેતરનો ડેટા જાહેર કર્યો હતો જેમાં નેટ ઇમિગ્રેશન અગાઉના અંદાજ 740,000થી વધીને 906,000 થયું હતું. ONS આંકડા દર્શાવે છે કે સ્ટુડન્ટ અને વર્ક વિઝા એમ બંને શ્રેણીઓમાં યુરોપિયન યુનિયન (EU) ની બહારથી આવનારાની સંખ્યામાં ભારતીયોનું પ્રભુત્વ ચાલુ છે. જૂન 2024 સુધીના વર્ષમાં વર્ક-સંબંધિત 116,000 અને અભ્યાસ-સંબંધિત 127,000 ભારતીયોને વિઝા અપાયા હતા જે બિન-EU દેશોના લોકોમાં ટોચ પર હતા. યુકેમાં લાંબા ગાળાના ઇમિગ્રેશન માટે આવેલા લોકોમાં 240,000 ભારતીયો, 120,000 નાઇજિરિયન, 101,000 પાકિસ્તાની, 78,000 ચાઇનીઝ અને 36,000 ઝિમ્બાબ્વેના લોકો આવ્યા હતા.
ONS એ જણાવ્યું હતું કે નિયમો બદલાયા પછી સ્ટુડન્ટ વિઝા પર આવતા લોકો સાથે આવતા આશ્રિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2020માં બ્રિટને ઔપચારિક રીતે EU છોડ્યું ત્યારથી નિયમિત માઇગ્રેશન વધ્યું છે. 2021માં, નેટ માઇગ્રેશન 488,000 હતું.
મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સીટીઝનશીપ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “અમે ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરનારાઓને શક્ય તેટલા સખત પરિણામોનો સામનો કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે અમારા મેનિફેસ્ટો માટે પ્રતિબદ્ધ છીએ. હવેથી એમ્પ્લોયરો નિયમોનું ઉલ્લંઘન કરી કે આંતરરાષ્ટ્રીય કામદારોનું શોષણ કરી શકશે નહીં.’’
ભૂતપૂર્વ ટોરી હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે “જૂન 2023 થી ઇમિગ્રેશનમાં 20 ટકાનો ઘટાડો એ ફેરફારોનું પરિણામ છે જેના માટે હું લડી છું.”
વિરોધ પક્ષના નેતા કેમી બેડેનોકે જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે “કંઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે જવાબદારી સ્વીકારું છું કે અમે ભૂલ કરી હતી. અમે ઇમીગ્રેશનને અસર કરતી નીતિઓની વ્યાપક સમીક્ષા કરીશું. જેમાં યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ, હ્યુમન રાઈટ્સ એક્ટ અને માઇગ્રન્ટ્સને પાતા બેનીફીટ્સને નિયંત્રિત કરતા નિયમોનો સમાવેશ થાય છે. અમે બ્રિટિશ પાસપોર્ટ મેળવવા માટેના કડક માપદંડો લાગુ કરીશું અને યુકેમાં બાકી રહેલા વિદેશી ગુનેગારો માટે “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવીશું.’’
કન્ઝર્વેટિવ શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલ્પ એમપીએ જણાવ્યું હતું કે, “આજના આંકડા પુષ્ટિ કરે છે કે અમે જેના વિશે ચેતવણી આપી રહ્યા છીએ તે ઇમિગ્રેશન ખૂબ વધારે છે, અને ફેમિલી વિઝા પર વધુ પ્રતિબંધોને સ્થગિત કરવા લેબર ખોટું હતું. આવી મોટી સંખ્યાઓ આવાસ, જાહેર સેવાઓ પર દબાણ લાવે છે અને સામાજિક સંકલનને નુકસાન પહોંચાડે છે. અમારી પાર્ટીની સરકાર “ઓપન બોર્ડર્સ એક્સપેરિમેન્ટ”ને અનુસરી હતી જે વિચાર “સ્પષ્ટપણે બકવાસ” હતો.”
દરમિયાન, ખતરનાક રૂડીમેન્ટરી જહાજો પર ચેનલ પાર કરીને યુકેમાં આવતા દસ્તાવેજ વગરના માઇગ્રન્ટની સંખ્યા 33,500 થી વધુ છે, જે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 18 ટકા વધારે છે.
- યુકેમાં નેટ ઇમીગ્રન્સની સંખ્યામાં 166,000નો વધારો થયો.
- નાની બોટમાં ગેરકાયદેસર પ્રવેશતા લોકોમાં ગયા વર્ષની સરખામણીમાં 23% વધારો થયો છે.
- વડા પ્રધાને એકંદર નેટ માઇગ્રેશન ઘટાડવા માટે લક્ષ્ય નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો.
- રિફોર્મ યુકેના નેતા નાઇજેલ ફારજે તાજેતરના આંકડાઓને “ભયાનક” ગણાવી લેબર સરકારમાં સંખ્યા “વધુ ખરાબ” થશે એમ કહ્યું હતું.
- હોમ ઑફિસના આંકડા મુજબ સપ્ટેમ્બર સુધીમાં 130,000થી વધુ લોકો તેમના એસાયલમ કેસ માટે પ્રારંભિક નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા.
- સપ્ટેમ્બર 2021 થી એસાયલમનો દાવો કરનારાઓની સંખ્યા બમણાથી વધુ થઈ ગઈ છે.